રાજ્ય સરકારની બેદરકારીથી જ કોરોના પોઝિટિવ કેસોમાં સ્ફોટક વધારો થયો
અમદાવાદ :
ગુજરાતમાં અને તેમાં પણ ખાસકરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં થયેલા વિસ્ફોટ માટે ક્યાંક થયેલી મોટી ચૂક જવાબદાર દેખાઈ રહી છે. લોકડાઉન સમય દરમિયાન આરોગ્ય વિભાગ અને સરકારે કોરોનાના કેસો શોધવા ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી હતું. પરંતુ તેના બદલે વિદેશથી આવેલા પ્રવાસીઓને ક્વોરન્ટીનમાં રાખવા અને લોકડાઉનનો કડક અમલ કરાવવામાં જ ગુજરાત સરકારે 15 દિવસ પસાર કરી દીધા. હવે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન અને સાઇલેન્ટ કેરીયરના કેસો વધવા લાગ્યા છે. આનું એક મોટું કારણ એ પણ છે કે હવે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં વધુને વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. લોકડાઉનના પ્રથમ દિવસથી જ સરકારે ક્વોરન્ટીનના બદલે આંતર રાજ્ય અને બીજા જિલ્લામાં હેરફેર કરનાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો સાઇલેન્ટ કેરીયર પણ શોધવો સહેલો પડી શકે તેમ હતો.
પોઝિટિવ કેસની હિસ્ટ્રી-સંપર્કોને શોધવામાં બહુ ઢીલી નીતિ જવાબદાર
બીજા રાજ્યો અને અન્ય દેશોમાં તો લોકડાઉન દરમિયાન વિદેશી પ્રવાસીઓની સાથે લોકલ સંક્રમણ અને પોઝિટિવ કેસોવાળા વિસ્તારોની સાથે તેના કનેક્શન શોધી કાઢવા લાગ્યા હતાં. તો ગુજરાત સરકાર દ્વારા ક્વોરન્ટીનની સાથે અલગ અલગ વિસ્તાર અને શંકાસ્પદ લોકોને ટ્રેસ કરવાની સાથે, પોઝિટિવ દર્દીઓની હિસ્ટ્રી અને તેના સંપર્કોને ટ્રેક કરવા અને તેમના ટેસ્ટ કરવામાં બહુ ઢીલી નીતિ અપનાવી હતી. જેના લીધે કોરોના પોઝિટિવ ના દર્દીઓ શોધવા મુશ્કેલ પડી ગયા હતા. હવે જ્યારે એકાએક ગુજરાતમાં અલગ અલગ હોટસ્પોટ વધવા લાગ્યા ત્યારે કલસ્ટર અને કન્ટેનમેન્ટ કરીને હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે પરંતુ બહુ મોડું થઈ ગયું છે.
અન્યત્રથી આવેલા લોકો અઠવાડિયામાં અનેકને ચેપ લગાડે છે
ગુજરાતમાં હાલની કોરોનાની સ્થિતિ જોતા, સાઇલેન્ટ કેરીયર એટલે કે બીજા રાજ્ય કે જિલ્લામાંથી આવેલા લોકોને 5થી 7 દિવસ પછી કોરોના પોઝિટિવના લક્ષણો બહાર આવી રહ્યા છે. જેના કારણે આ કેરીયર 7 દિવસમાં અનેક લોકોને ચેપ લગાડી ચુક્યા હોય છે. તેથી ગુજરાત સરકાર દ્વારા શરૂઆતથી જ બીજા રાજ્ય કે જિલ્લામાંથી આવેલા લોકોને અલગ તારવીને તેમનું ચેક અપ કર્યું હોત તો ગુજરાતમાં કોરોના પણ વહેલો કાબુ મેળવી શકાયો હોત.
વધુ ટેસ્ટિંગ થવાથી હવે પોઝિટિવ કેસમાં પણ ઝડપી ઉછાળો
કોરોના દર્દીઓની સંખ્યા શોધવાનો એકમાત્ર રસ્તો ટેસ્ટિંગ જ છે. અત્યારસુધી આપણા રાજ્યમાં બહુ ઓછા કે માત્ર લક્ષણ દેખાય તેવા જૂજ લોકોના જ ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. હવે અમદાવાદમાં આખા કોટ વિસ્તારને કોર્ડન કરીને ઘરે-ઘરે જઈ મેગા સર્વે કરાઈ રહ્યો છે. આ અંતર્ગત સહેજ પણ શંકાસ્પદ લક્ષણ દેખાશે કે તુરત તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ નીતિ અપનાવાતા હવે કોરોનાનું વાસ્તવિક ચિત્ર સામે આવશે અને કેસમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે તેમાં કોઈ નવાઈ નથી.