IPLને લગતી રાજીવ શુક્લાની મોટી જાહેરાત: ક્રિકેટના ચાહકો જાણીને હતાશ થઇ જશે.
નવી દિલ્હી :
કોરોનાવાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL પહેલાથી જ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. પરંતુ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેનું આયોજન થવાની સંભાવના નહિવત્ હોવાનું જણાય છે. પૂર્વ આઈપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ સંકેત આપ્યા છે કે 15 એપ્રિલ પછી પણ આઈપીએલ યોજાશે નહીં.
રાજીવ શુક્લાએ ANIને કહ્યું કે એવા સમાચાર આવી રહ્યા છે કે લોકડાઉનનો સમય વધારવામાં આવશે તેવી શક્યતાઓ છે અને જો આવું થાય તો IPLનું આયોજન શક્ય બનશે નથી. તેમણે કહ્યું કે આ સમયે પ્રાથમિકતા આ મહામારી સામે લડવાની અને લોકોને બચાવવાની છે. આ બધું સરકાર પર નિર્ભર રહેશે કે તેઓ શું નિર્ણય લે છે.
એક પણ મેચ સંભવ લાગતી નથી .
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે તો વિદેશી ખેલાડીઓ ભાગ લઈ શકશે, તો રાજીવ શુક્લાએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં કોઈ મેચ જ શક્ય નથી અને કોઈપણ રીતે વિદેશીઓના ભારત આવવા પર અત્યારે પ્રતિબંધ છે. તેમણે શોએબ અખ્તરના નિવેદનને મજાક સમાન ગણાવ્યું હતું, જેમાં અખ્તરે કોરોના સામે ભંડોળ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણી રમાડવાની વાત કરી હતી. શોએબના મતે આ શ્રેણીમાંથી થતી આવકનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટે કરી શકાય પરંતુ આવું કોઈ આયોજન આ પરિસ્થિતિમાં શક્ય નથી.
અગાઉ આઈપીએલ 29 માર્ચથી યોજાવાની હતી
આ અગાઉ આઈપીએલ 29 માર્ચથી યોજાવાની હતી, પરંતુ 11 માર્ચે કેન્દ્ર સરકારે તમામ વિઝા 15 એપ્રિલ સુધી સ્થગિત કર્યા હતા. હાલમાં દેશમાં આ ચેપ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 591 નવા કેસ નોંધાયા છે, જ્યારે 20 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 5865 કેસ નોંધાયા છે. જેમાંથી 5218 ચેપગ્રસ્ત છે અને 478 કોરોનાથી રીકવર થઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં કુલ 169 લોકો મોતને ભેટ્યા છે.