વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ ના.મુખ્યમંત્રીને લખ્યો પત્ર : કીડની, હાર્ટ, કેન્સરની સારવાર ચાલુ રાખવા કરાઈ માંગ
ગાંધીનગર :
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા,(WHO) એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા, સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે હેતુસર તા. 22-3-2020ના રોજ જનતા કરફયુ અને ત્યારબાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ચુસ્ત પાલન ગુજરાતની જનતા દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે કીડનીના દર્દીને કોરોના પોઝીટીવ આવેલ, જેના કારણે આ હોસ્પિટલમાં કીડની વિભાગના સ્ટાફને ક્વોરન્ટાઈન કરી કીડની વિભાગ તા. 19-4-2020 સુધી બંધ કરી દેવામાં આવેલ છે. આ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલ છે અને હાલ તેમાં 63 જેટલા કીડનીના પેશન્ટ ડાયાલીસીસ અર્થે આવેલ છે. આ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટોકન ચાર્જથી કરવામાં આવે છે, જેના કારણે ગરીબ દર્દીઓને ખૂબ જ મોટો લાભ મળે છે. જો આવા દર્દી ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા જાય તો તેમના પર ખૂબ જ મોટું આર્થિક ભારણ આવી શકે તેમ છે અથવા તો ખાનગી હોસ્પિટલ દ્વારા તેમના કેસ ન સ્વીકારાય તેવી પણ ભીતિ રહેલી છે. ડાયાલીસીસ એ અતિ આવશ્યક છે અને જો દર્દીને ડાયાલીસીસ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ થવાનો ભય રહેલો છે.
રાજ્યમાં મળતી માહિતી મુજબ, અંદાજીત દરરોજ ડાયાલીસીસના 3,000 દર્દી, હાર્ટ એટેકના 300 દર્દી કે જેઓને એન્જીયોપ્લાસ્ટીની જરૂર હોય, કેન્સરના 1,500 દર્દી કે જેઓને કિમોથેરાપીની જરૂર હોય, પ્રસુતિના 4,000 કેસ હોય છે. છેલ્લા 20 દિવસમાં ડાયાલીસીસ માટે 60,000 દર્દી, એન્જીયોપ્લાસ્ટી માટે 6,000 દર્દી, કિમોથેરાપી માટે કેન્સરના 30,000 દર્દી તથા પ્રસુતિના 80,000 કેસ આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ખાનગી હોસ્પિ્ટલો દ્વારા ડરના કારણે દર્દીઓને પાછા કાઢી આખી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવે છે.
રાજ્યમાં કીડની, કેન્સીર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર પ્રકારના રોગોની સારવાર બંધ કરવામાં આવશે તો કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ કરતાં સારવારના અભાવે ગંભીર રોગોથી મૃત્યું પામનાર વ્યક્તિઓની સંખ્યા વધી જશે તેવું જણાઈ રહ્યું છે, ત્યારે દર્દીઓના હિતમાં ફક્ત જીવરાજ મહેતા હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યમાં ખાનગી અને ટ્રસ્ટની એમ તમામ હોસ્પિટલો કીડની, કેન્સર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર રોગોની સારવાર માટે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે.
રાજ્ય સરકાર ઉક્ત બાબતને ખૂબ જ ગંભીરતાથી લે અને રાજ્યની પ્રજાના આરોગ્યના હિતમાં રાજ્યની તમામ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલો દ્વારા ગંભીર રોગોની સારવાર સમાંતર ધોરણે ચાલુ રહે તે માટે જરૂરી કાર્યવાહી થવા વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ખાસ આગ્રહભરી વિનંતી કરી છે.