લોકડાઉન નહીં ખુલે તો તેની વિપરીત અસર પડશે, શ્રમિકો પોલીસ સામે ઘર્ષણમાં ઉતરી શકે છે : DGP શિવાનંદ ઝા
ગાંધીનગર :
રાજ્યમાં અનેક શ્રમિકો લોકડાઉનના પગલે પોતાના વતનમાં જતા હતા. આ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ શેલટર હોમમાં રહેવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેટ આઈબીના અને સ્થાનિક પોલીસના રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર, મહેસાણા, વડોદરા,પાટણ, દાહોદ, બનાસકાંઠા સહિતના શેલટર હોમમાં સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, ખાવાપીવાની અપૂરતી વ્યવસ્થા, ગંદકી, અલગ અલગ જૂથ, મહિલાઓ અને બાળકો સાથે અવ્યવહાર તેમજ વતન જવાની જીદ જેવા મુદ્દા ધ્યાને આવ્યા હોવા અંગેનો પત્ર રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ ગૃહસચિવ સંગીતાસિંહને લખ્યો છે. 14 એપ્રિલે લોકડાઉન ખુલ્યા બાદ તેઓ વતનમાં જશે એવી માનસિકતા ધરાવે છે. જો લોકડાઉન નહીં ખુલે તો તેની વિપરીત અસર તેઓ પર પડશે અને તેઓ આવી પરિસ્થિતિમાં નહી સહન કરી શકે જેથી શ્રમિકો પોલીસ અને વહીવટી તંત્ર સામે ઘર્ષણમાં ઉતરી શકે છે.
કેટલાક સ્થળે રાજ્ય પ્રમાણે બેથી ત્રણ જૂથો બની ગયા
શિવાનંદ ઝાએ પત્રમાં લખ્યું છેકે, રાજ્યના 194 જેટલા શેલટર હોમમાં 9351 શ્રમિકો રહે છે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, નેપાળ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના શ્રમિકો છે. કેટલાક લોકો કેમ્પ છોડીને જવામાં સફળ થયા છે અને અન્ય શ્રમિકો પણ ભાગવાની માનસિક તૈયારીમાં છે. કેટલીક જગ્યાએ મજૂરો તંત્ર અને પોલીસ સાથે સંઘર્ષમાં પણ ઉતર્યા છે. કેટલાક સ્થળે રાજ્ય પ્રમાણે બેથી ત્રણ જૂથો બની ગયા છે અને તેમની વચ્ચે સંઘર્ષ થયો હોવાના બનાવો બન્યા છે.