આંતરરાષ્ટ્રીય

અમેરિકાનો 2022 સુધી પીછો નહીં છોડે કોરોના વાયરસ : હાર્વર્ડ યુનિ.ના રિસર્ચમાં ખુલાસો

વોશિંગ્ટન:

દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા અમેરિકાને આ વાયરસથી 2022 સુધી સાચવવું પડશે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થેના રિસર્ચમાં જણાવાયું છે કે અમેરિકાએ 2022 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. દેશમાં કોરોનાથી મંગળવારે જ 2200 લોકોના મોત થયા છે, અને હાલની સ્થિતિમાં માત્ર ન્યૂયોર્કમાં જ ચીન કરતાં પણ વધુ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.

અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 28,300ને આંબી ચૂક્યો છે. જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ થયેલા રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો કોરોનાની રસી ના શોધાઈ કે પછી તેની સારવાર માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું ના કરાયું તો અમેરિકાએ 2022 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જ પડશે.

સાઉથ કોરિયા અને સિંગાપોરનું ઉદાહરણ આપતા આ રિસર્ચ આર્ટિકલમાં જણાવાયું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ હેલ્થકેર સિસ્ટમ પરનું ભારણ ઘટાડે છે, અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તેમજ ક્વોરન્ટાઈનને વધુ સરળ બનાવે છે. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, લાંબા સમય સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાથી તેની આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે નેગેટિવ અસર પડશે.

2024ના અંત સુધીમાં આ વાયરસ પાછો ત્રાટકી શકે છે તેવી શક્યતા દર્શાવતા રિસર્ચ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે નજીકના સમયમાં જો આ વાયરસનો સંપૂર્ણ સફાયો થઈ જાય તો પણ તેના પર સર્વેલન્સ રાખવું જરુરી છે. બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે કોરોનાના વાયરસે હજુ ગતિ નથી પકડી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાથી વિશ્વમાં અત્યારસુધી 1.24 લાખના મોત થઈ ચૂક્યા છે, અને 20 લાખથી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ વાયરસનો ઉદ્દભવ ચીનમાં થોય હતો, પરંતુ હાલ અમેરિકનું ન્યૂયોર્ક શહેર તેનું વૈશ્વિક એપિસેન્ટર બની ચૂક્યું છે. ન્યૂયોર્કમાં ન માત્ર રોજેરોજ નવા સેંકડો કેસ આવી રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો મોતને પણ ભેટી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x