સરકારનો નિર્ણય : કાલથી શહેરોની અંદર આવેલા એક પણ ઉધોગો ખુલશે નહીં
ગાંધીનગર :
સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. અમદાવાદ ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે તેવામાં સરકાર દ્વારા છૂટછાટ આપવી એ ખતરાની ઘંટડી વગાડવા સમાન છે. અત્યાર સુધીમાં 1600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને પગલે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. પરંતુ રાજ્યમાં 20 એપ્રિલે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. જો કે તે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અમલી બનશે નહીં. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર, લોકડાઉનમાં 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે. રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે.