જખૌ નજીક બોટમાં આગ, 3નાં મોત
ભુજઃ જખૌના સમુદ્રમાં માંગરોળની એક ફિશીંગ બોટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં બોટમાં સવાર ત્રણ માછીમારોના મોત નીપજ્યાં છે. તો, બોટમાં સવાર અન્ય 3 જણા ગંભીર રીતે ઘાયલ થવા સાથે સમુદ્રમાં લાપત્તા થયાં હોવાનું બહાર આવ્યું છે. બોટના એન્જિનની ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ, આ બ્લાસ્ટ અકસ્માતે થયો કે પાકિસ્તાનના ફાયરીંગથી થયો તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બ્લાસ્ટ પછી બોટમાં આગ ફાળી નીકળી હતી. માંગરોળના બાબુભાઈ વેલજીભાઈ ગોસીયાની જી.જે. ૧૧ એમ એમ ૧૩૦૪૦ નંબરની બાહુબલી નામની બોટ ગત પાંચમીએ ઓખાથી ફિશીંગ માટે નીકળી હતી. બોટમાં 7 લોકો સવાર હતા. દરમિયાન, જખૌના દરીયામાં બોટમાં બ્લાસ્ટ થતા ૩ માછીમારના મોત નીપજ્યાં હતા. જ્યારે બોટનો ટંડેલ બચી ગયો હતો. ત્રણેયના મૃતદેહોને ઓખા લવાઈ રહ્યા છે. મૃતકોમાં જૂનાગઢના સંજય બાંભણીયા (ઉ.વ.૧૮),પરબતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૧) અને વિજય વાઘેલા(ઉ.વ.૨૦)નો સમાવેશ થાય છે. બોટમાં સવાર કાનજીભાઈ વંશ , ભાણાભાઈ બાંભણીયા અને સંજય નામના અન્ય 3 માછીમારો લાપત્તા બનતાં કોસ્ટગાર્ડે તેમની શોધખોળ હાથ ધરી છે. બોટમાં થયેલાં વિસ્ફોટની ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં ઓખા દરીયાકિનારે માછીમાર સમાજના આગેવાનો અને માછીમારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીનસત્તાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મરીન એજન્સીના જવાનોએ અપહરણના ઈરાદે બોટ પર અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું. જેમાં અકસ્માતે બોટમાં આગ ફાટી નીકળતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, આ અંગે કૉસ્ટગાર્ડ કે અન્ય સુરક્ષા એજન્સીઓએ કશી સ્પષ્ટતા કરી નથી.