કોરોના મહામારીના કારણે મુશ્કેલીમાં મુકાયેલ આદિવાસી પરિવારોની વહારે આવ્યા પરેશ ધાનાણી, જાણો શું કરી માંગ.
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા માંગણી કરાઈ છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાતમાં સ્થિતિ દિન-પ્રતિદિન કફોડી અને મુશ્કેલજનક બનતી જાય છે. કોરોનાની મહામારીના પગલે લોકડાઉન જેના લીધે રોજનું કમાઈને રોજ ખાનાર શ્રમિક, છુટક મજુરી કરનારના પરિવાર માટે જીવન ટકાવવું મુશ્કેલ બની ગયું છે.
અગાઉ તા. 21-3-2020ના રોજ પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીને વિગતવાર પત્ર લખી કોરોના મહામારીના કારણે સૌથી વધુ ભોગ બનનાર ગરીબ-સામાન્ય-શ્રમિક વર્ગ માટે સરકારે વિશેષ કાળજી લેવા વિનંતી કરેલ હતી.
ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ પૂર્વપટ્ટી તરીકે જેને આપણે ઉલ્લેખ કરીએ છીએ તે વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનો સમગ્ર રાજ્યના વિકાસમાં પોતાની મહેનત-શ્રમથી યોગદાન આપી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજ્યના આદિવાસી પરિવારો ભારે મુશ્કેલીમાં આવી ગયા છે. આ સંજોગોમાં આદિવાસી પરિવારોના ગુજરાન માટે નીચેે મુજબની માંગણીઓ કરાઈ છે.
(1) ફક્ત આદિવાસી વિસ્તારો માટેના ટ્રાયબલ સબ-પ્લાનના નાણા અન્ય જગ્યાએ અન્ય હેતુ માટે ખર્ચ કરવાને બદલે માત્રને માત્ર આદિવાસી ભાઈ-બહેનોને આ મહામારીમાંથી બહાર કાઢવા ખર્ચ કરવામાં આવે.
(2) ઐતિહાસિક રોજગાર યોજના ‘મનરેગા’ માં સરકાર હકારાત્મક બનીને 100 દિવસની સાથે વધુ 100 દિવસની રોજગારી પૂરી પાડે અને શ્રમિકોને એડવાન્સમાં વેતન ચૂકવવામાં આવે.
(3) આદિવાસી સમાજના બાળકોને મળવાપાત્ર સ્કો્લરશીપ અને અન્ય નાણાંકીય સહાય આગામી સત્ર માટે એડવાન્સમાં ચુકવવામાં આવે.
(4) આદિજાતિ આશ્રમશાળાઓ માટે સરકાર સંવેદનશીલ બને અને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવે.
(5) જંગલની જમીન ખેડતા આદિવાસીઓને જંગલ ખાતા તરફથી થતી હેરાનગતિ બંધ થાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ તેઓને મળવાપાત્ર જંગલની જમીન મળે, જેથી તેઓ મહેનતથી રોજીરોટી કમાઈ શકે.
(6) આદિવાસી પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ ત્રણ મહિનાનું રાશન પૂરેપૂરું આપવામાં આવે.
(7) આદિવાસી પરિવારોના બાળકો અને મહિલાઓમાં કુપોષણની બિમારી વધુ જોવા મળે છે ત્યારે કોરોના મહામારીના સમયે કુપોષિત મહિલાઓ અને બાળકો માટે વિશેષ પેકેજ જાહેર કરીને તેમને મદદ કરવી જોઈએ.
(8) બાંધકામ ક્ષેત્રે સરકાર દ્વારા વસુલાતા સેસના રૂા. 2800 કરોડ રાજ્ય સરકાર પાસે જમા છે. બાંધકામ ક્ષેત્રમાં વિશેષ કરીને આદિવાસી સમાજના ભાઈ-બહેનો જોડાયેલા હોય છે તેઓના કલ્યાણ માટે સરકાર પાસે જમા રહેલ રકમમાંથી તેમના આરોગ્ય, શિક્ષણ, ભોજન સહિતના લાભો પેટે તાત્કાલિક નાણાં ચુકવવા જાઈએ.
(9) રાજ્યમાં સ્થળાંતરિત શ્રમિકો માટે સરકાર ચોક્કસ નીતિ ઘડે અને રાજ્યમાં આંતરજિલ્લા અને અમુક ઉદ્યોગો માટે આંતરરાજ્ય સ્થળાંતરિત (માઈગ્રન્ટ) આદિજાતિ શ્રમિકો માટે સરકાર શિક્ષણ, આરોગ્ય, અન્ન સુરક્ષા સહિતની બાબતો સરળતાથી ઉપલબ્ધ કરાવે.
(10) ગુજરાતના અનેક વિસ્તા્રોમાં આદિવાસી ભાઈ-બહેનો ખેતીના વ્યવસાય અને ખેતમજુરી સાથે સંકળાયેલા છે. આ વૈશ્વિક મહામારીના સમયે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ અને ખેતમજુરી કરતા આદિવાસી ભાઈ-બહેનો માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઈએ.
(11) રાજ્યના અનેક વિસ્તારોમાં વૈશ્વિક મહામારીના સમયે રોજગારી માટે સ્થાળાંતર પર રોક છે ત્યારે કડીયાકામ, સુથારીકામ, ભરતકામ, માટીકામ કરતા આદિવાસી સમાજના નાના વ્યાવસાયિકો માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કરવું જોઈએ.
(12) પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ આદિવાસી ભાઈ-બહેનોના રોજગાર ઠપ્પ થઈ ગયેલ છે અને રાજ્યમાં સ્થિતિ ક્યારે પૂર્વવત્ થશે તે નક્કી નથી ત્યારે આદિવાસી ભાઈ-બહેનોને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં કાર્યરત સ્વરોજગાર જુથોને વિશેષ પ્રોત્સાહન આપીને આદિજાતિ પરિવારોના રોજગારના પુનઃસ્થાપન માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ.
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ભાઈ-બહેનો પ્રત્યેે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી, સરકારશ્રી કક્ષાએથી યોગ્ય વિચારણા કરી, વૈશ્વિક મહામારી કોરોના સમયે આદિજાતિ પરિવારોને મળવાપાત્ર હક્ક અને અધિકાર માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા માંગણી કરાઈ છે.