અમદાવાદ ના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખ નુ કોરોના થી નિધન
અમદાવાદ :
કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી શક્યા નથી. અમદાવાદના કોંગ્રેસના વરિષ્ઠ નેતા, બહેરામપુરા વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખનું આજે નિધન થયું છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને છેલ્લા દસ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. છ દિવસ અગાઉ તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી.
15-04-2020ના રોજ કોરોના પોઝિટિવ આવતા બદરૂદ્દીન શેખને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. તે સમયે બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા હતા. અને આજે તેમનું એસવીપી હોસ્પીટલમાં નિધન થયું છે. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ એક સારા નેતા ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ બદરૂદ્દીન શેખના મતવિસ્તારમાં ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે. તેમના દુઃખદ અવસાનથી લોકોને આઘાત લાગ્યો છે. બદરૂદ્દીન શેખ સ્થાનિકોમાં લોકપ્રિય નેતા હતા.