17મી પછી લૉકડાઉન ખૂલવાની શક્યતા, સરકારે તૈયારી શરૂ કરી
કોરોના વાઇરસનો સામનો કરવા હાલમાં દેશ લૉકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લૉકડાઉન-૩ના ૧૪ દિવસના આ લૉકડાઉનમાં સરકારે કેટલીક રાહતો પણ આપી છે. લૉકડાઉન ૩.૦માં સરકારે દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલ છે. લૉકડાઉન ૩.૦નો ગાળો ૧૭મીએ પૂરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર લૉકડાઉન પૂરું થયા બાદના પ્લાન ઉપર આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.
સરકાર દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર અભ્યાસ ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે ચર્ચા બાદ એકાદ બે દિવસની અંદર ત્રણેય ઝોનની નવી યાદી બહાર પડે તેવી શકયતા છે. સરકાર લૉકડાઉન પૂરું થયા પછી સ્થિતિને થાળે પાડવા માટે વિવિધ પ્રવૃત્તિની નેગેટિવ લીસ્ટની એક યાદી પણ તૈયાર કરી રહ્યું છે. સરકાર એવો પ્લાન ઘડે છે કે અર્થતંત્ર પણ દોડતું રહે અને લોકોને મુશ્કેલી પણ ન પડે. સરકારે જાહેર કર્યા અનુસાર અત્યારે ૧૩૦ જિલ્લા રેડ, ૨૮૪ ઓરેન્જ અને ૩૧૯ ગ્રીન ઝોનમાં છે. જો કે છૂટ બાદ અમુક વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા છે. આવતા થોડા દિવસોમાં ત્રણેય ઝોનની સંશોધિત યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. અત્યાર સુધીમાં ૨૧૬ જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયા નથી. ૩૬ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. ૪૬ જિલ્લા એવા છે જ્યાં સાત દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. સરકાર હવે ૧૭મી પછીનો એક સરળ એક્ઝિટ પ્લાન બનાવી રહી છે.