જામનગરની ગ્રેઈન માર્કેટ ચાલુ રિટેલ દુકાનો સવારે 7 થી 10 અને હોલસેલ વેપારીઓ સવારે 11 થી 2 દુકાનો ખુલી રહેશે
જામનગર :
જામનગર ગ્રેઈન માર્કેટ બંધ રાખવાના આદેશના ઘેરા પ્રત્યઘાત પડ્યા બાદ એસ.પી. ની અધ્યક્ષતામાં ગ્રેઇન માર્કેટના હોલસેલ વેપારીઓના પ્રતિનિધિ અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ સાથે થયેલ મિટિંગમાં ગ્રેઈન માર્કેટ કેટલાક સમય મર્યાદા સાથે ખુલી રાખવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ વિસ્તારની રિટેઇલની દુકાનો સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ ખુલી રહેશે અને માત્ર ત્યાંના સ્થાનિક લોકો પગપાળા જઈને ખરીદી કરી શકશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વાહનો અલૉવ નહીં કરવામાં આવે.
હોલસેલના વેપારી ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી દુકાન ખુલી રાખશે. આ દરમિયાન માત્ર દુકાનદારો જેમની પાસે વહીવટી તંત્રના પાસ છે અને વ્યાપારી મંડળ દ્વારા આગામી સમયમાં પાસ આપવામાં આવના છે એમને જ પ્રવેશ અપાશે. આવા તમામ વ્યાપારીઓએ વાહન બહાર રાખવું અને ખરીદી થઈ ગયે સમાન બહાર લઈ જઈને નીકળવાનું રહેશે. આ સમય દરમિયાન કોઈ વાહન અલૉવ કરવામાં આવશે નહીં તથા છૂટક વેચનાર પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવનાર દુકાનદારો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવી શકશે જ્યારે શહેરના દુકાનદારો માટે આ લાગુ નહીં પડે.
હોલસેલના વેપારીઓએ પોતાનો સામાન અનલોડ સાંજે ૦૫:૦૦ થી ૮:૦૦ ના સમયમાં કરવાનો રહેશે.
સિટીના દુકાનદારો એક વાર ખરીદવા જશે ત્યારે તેમના પાસમાં તારીખની એન્ટ્રી કરવામાં આવશે અને ૭ દિવસ પછી જ એને ફરીથી અલૉવ કરવામાં આવશે.