ગાંધીનગર શહેરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા સામે
ગાંધીનગરઃ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના એ આતંક મચાવ્યો છે. આજે શહેરમાં કોરોનાવાયરસના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારમાં બે દર્દીઓના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં મોતનો આંકડો 8 ઉપર પહોંચ્યો છે. આજે શહેરમાં આવેલા પોઝિટિવ કેસ માં સેક્ટર 3, 6 અને 21નો સમાવેશ થાય છે. જેમાં સેક્ટર 6Bમાં રહેતો 33 વર્ષીય યુવક, સેક્ટર 21 ચ ટાઈપમાં રહેતો 27 વર્ષીય યુવક અને સેક્ટર 3એમાં રહેતા પતિ (65) પત્ની (60) વર્ષીયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં કુલ 184 કેસ નોંધાયા છે, જ્યારે 8 લોકોના મોત થયાં છે.
ગાંધીનગર શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આજે વાઇરસના કારણે મોત થયા છે. જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં 85 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે બીજુ મોત રાયસણ ગામમાં રહેતા 58 વર્ષીય પુરુષનું થયું છે. આ દર્દીને રૂપિયા 30 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવા છતાં બચ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાંધેજા ગામમાં રહેતા અને આલમપુર એપીએમસીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા યુવકને આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેમાં તેનો બચાવ થયો હતો.