‘નમસ્તે ટ્રમ્પ’ ના આયોજન અને અણઘડ નિર્ણયોના કારણે ગુજરાતમાં કોરોના વધ્યો : શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર :
કોરોના વાઇરસની મહામારી એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોય તેવી અનેક આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. આ સવાલો તો ઉભા થતા રહેવાના પરંતુ કોરોનાના કારણે દેશમાં અને ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાણી તેની ગંભીરતા સમજવામાં સરકારે મોડું કર્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇપણ પ્રકારના હોમવર્ક વગર સમગ્ર દેશને લોકડાઉનમાં પૂરી દીધો. મહામારીના કારણે જે જાનહાનિ થશે તે ઉપરાંત લોકડાઉનના કારણે જે આર્થિક અને સામાજિક નુકસાન થશે તેની કલ્પનામાત્ર એક ભયાવહ ચિત્ર ઉભું કરે છે. આગોતરા આયોજન વિના લાદવામાં આવેલા લોકડાઉને દેશને આર્થિક મંદી તરફ ધકેલ્યો છે. ભાજપ પવનની દિશામાં ઢળવાવાળો પક્ષ છે, સામા પ્રવાહે તરવું તેનું કામ નથી. વહીવટતો અધિકારીઓ જ ચલાવવાના પરંતુ જ્યારે કુદરતી કે માનવસર્જિત આફતો જેવી કે ભૂકંપ, પૂર, દુષ્કાળ, મહામારી રમખાણો સમયે ભાજપની અણઆવડત છતી થાય છે. આવા સમયે અણઆવડત અને અહંકારના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાય છે. રોગ, દુશ્મન અને દેવું ઉગતા હોય ત્યારે જ ડામી દેવાના હોય. આ રોગને ડામવાના પગલાં ડિસેમ્બરમાં જ લેવાયા હોત દેશની આવી દયનીય પરિસ્થિતિ ન સર્જાઇ હોત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જ્યારે ડિસેમ્બરમાં જ તમામ રાષ્ટ્રોને કોરોના વાઇરસની ગંભીરતા અંગે ચેતવણી આપી ત્યારે દેશનું અને રાજ્યનું આરોગ્ય તંત્ર ઉંઘી રહ્યું હતું, તેમને જરાં પણ વિચાર નહોતો કે આ વાઇરસ ભારતમાં પણ આવી શકે છે.
અત્યારની કેન્દ્ર સરકાર અને ભાજપની વિચારધારામાં લોકોના હિતને સૌથી છેલ્લે પ્રાથમિકતા આપવામાં આવે છે, તેથી પ્રજાને આ સરકાર પાસેથી કંઇ મળવાનું નથી. અમદાવાદની જૂની વી.એસ. હોસ્પિટલની જગ્યાએ હવે ત્યાં નવી એસ.વી.પી. હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલના ઉદઘાટન સમયે સરકારે એવો પ્રચાર કર્યો હતો કે આ હોસ્પિટલ વિશ્વ શ્રેષ્ઠ હોસ્પિટલોની હરોળમાં આવે છે, પરંતુ તે જ હોસ્પિટલનો સ્ટાફ પાયાની સુવિધાઓ માટે ધરણાં પર ઉતરતો હોય અને તેમની પાસે પી.પી.ઇ. કિટ ન હોય, વર્ગ-3 અને 4ના કર્મચારીઓની દરકાર માટે કોઇ ન હોય, દર્દીઓની સારસંભાળ માટે પણ સ્ટાફનો અભાવ હોય તેવી હાલતના કારણે કોરોના સતત વધી રહ્યો છે. રાજ્યની દરેક સરકારી હોસ્પિટલની આવી હાલત છે. અહીં કોરોના વાઇરસ ફેલાવાનું કારણે નમસ્તે ટ્રમ્પનું આયોજન અને સરકારનું અણઘડ આયોજન છે. જેના કારણે લોકો ડરમાં જીવી રહ્યા છે. સરકારે અત્યારે યોગ્ય પ્રતિરોધી પગલાં લઇ લોકોનો ડર દૂર કરવાની જરૂર છે. આ ઉપરાંત ટેસ્ટિંગ વધારવામાં રાજ્ય સરકારને કઇ સમસ્યા નડી રહી છે તે પણ એક યક્ષપ્રશ્ન છે.