રાજ્યમાં ૧૫મી જૂનથી શરૂ થશે ‘‘હોમ લર્નિંગ’’ કાર્યક્રમ
ગાંધીનગર :
હાલની કોરોનાની મહામારીના કારણે છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક કાર્ય અને શાળાકીય શિક્ષણ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને વિપરીત અસર ન પહોંચે તે માટે શિક્ષણ વિભાગે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ‘‘હોમ લર્નિંગ’’નો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ૧પમી જૂન, ર૦ર૦ને સોમવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ડીડી ગિરનાર ઉપરથી હોમ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં હોમ લર્નિંગ અભિયાન અંગેની વિગતવાર માહિતી આપતાં આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, દૂરદર્શન ડીડી ગિરનાર દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે તેમાં ધો. ૩ થી ૧રના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ઉપર પણ જીસીઇઆરટી તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૫ થી ૧૨ના કાર્યક્રમોનું પ્રસારણ પણ કરાશે. આ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસે ટી.વી. કે મોબાઇલની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધો. ૧ થી ૮ માટે જીસીઇઆરટી દ્વારા તૈયાર થયેલ શૈક્ષણિક પ્રવૃત્તિ કે વર્કશીટ જે તે જિલ્લા દ્વારા પ્રિન્ટ કરીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમયસર વિતરણ થાય તેનું પણ નક્કર આયોજન કરાયું છે.
તેની સાથોસાથ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને આ પુસ્તકો કે શૈક્ષણિક સામગ્રી સમયસર વિદ્યાર્થીઓને પહોંચે તેની વ્યવસ્થા પણ જે તે જિલ્લાના સ્થાનિક તંત્રએ કરવાની રહેશે.
આ પાઠયપુસ્તકની વિશેષતા એ છે કે, QR કોડ દ્વારા ઓડિયો વિઝયુઅલ સામગ્રી મોબાઇલના માધ્યમ દ્વારા જોઇ શકાશે. હોમ લર્નિંગના કાર્યક્રમને સુનિશ્ચિત કરવા માટે વર્ગ શિક્ષકો દ્વારા વાલી તથા વિદ્યાર્થીઓને ફોનથી સંપર્ક કરશે અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવા માર્ગદર્શન આપશે. રાજ્યની સરકારી શાળાના શિક્ષકો દ્વારા પણ શકય હોય ત્યાં ઓનલાઇન શિક્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એમ.એચ.આર.ડી. દ્વારા જાહેર કરાયેલા વન નેશનલ – વન પ્લેટફોર્મ –DIKSHA પરથી પણ સમગ્ર સાહિત્ય ઉપલબ્ધ થઇ શકશે. આ હોમલર્નિંગ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા કરાશે.