આજે ખોડલધામ જશે હાર્દિક, 27મીથી નવેસરથી પાટીદાર અનામત આંદોલન
ગાંધીનગર:પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ શુક્રવારે ખોડલધામ દર્શન કરવા જશે. પુનાની છાત્ર સાંસદમાં ભાગ લઈને પરત આવ્યા બાદ ગુરુવારે હાર્દિક પટેલે અમદાવાદના પોલીસ દમનનો ભોગ બનેલા મૃતકોના પરિવારોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મોડી સાંજે જસદણના કમલાપુર ગયો હતો.
હાર્દિક ખોડલધામ મંદિરે આરતી અને દર્શન કરવા જશે
‘પાસ’ કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગુરુવારે કમલાપુર રોકાયા બાદ શુક્રવારે સવારે હાર્દિક ‘પાસ’ના આગેવાનો સાથે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે આરતી અને દર્શન કરવા જશે. કાગવડથી પાછા આવતા રાજકોટનાં સ્વર્ગસ્થ ઉમેશ પટેલના પરિવારની મુલાકાત કરશે. ત્યાર બાદ સુરેન્દ્રનગરના લખતર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી ધોરાજીના ‘પાસ’ના સંયોજક લલિત વસોયાને ત્યાં પ્રસંગમાં હાજરી આપશે.
રાજ્યભરમાં આંદોલન છેડવામાં આવશે
ધોરાજી જતી વખતે હાર્દિક જેતલસર અને મોટી પાનેલીમાં અનામત આંદોલનમાં જીવ ગુમાવનારા પાટીદારોના પરિવારોને મળશે. બાંભણીયાએ જણાવ્યું કે, 27 જાન્યુઆરીથી પાટીદાર અનામત આંદોલનનો નવો તબક્કો શરૂ થશે. પાટણ જિલ્લાના ગામે ગામ અનામત અંગે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે. અંતે રાજ્યભરમાં આંદોલન છેડવામાં આવશે.