આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

ખાદ્યતેલોમાં ટેરિફ વેલ્યૂ વધતા તેની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટીમાં વૃદ્ધિ

મુંબઈ :
મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો તથા હાજર બજાર પાછળ વાયદા બજારમાં પણ નરમાઈ આગળ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, દિલ્હીથી મળેલા સમાચાર મુજબ કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયૂટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યૂમાં વધારો કર્યો છે અને તેના પગલે આ ખાદ્યતેલોની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટીમાં વૃદ્ધિ થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, આવી ટેરિફ વેલ્યૂ ક્રૂડ પામ ઓઈલની ૫૯૬ ડોલરથી વધી ૬૨૮ ડોલર, પામોલીનની ૬૨૧થી વધી ૬૫૬ ડોલર તથા સોયાતેલની ૭૧૩થી વધી ૭૨૮ ડોલર કરાયાના સમાચાર હતા. આના પગલે ઘરઆંગણે સીપીઓની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટી ટનદીઠ રૂ.૧,૦૧૭, પામોલીનની રૂ.૧,૩૩૫ તથા સોયાતેલની રૂ.૪૪૫ જેટલી વધી હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. જોકે, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના ઘટી રૂ.૭૭૮ રહ્યા હતા, જ્યારે સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૬૯૦ બોલાયા હતા. તથા વાયદા બજારમાં સીપીઓના ભાવ સાંજે ઘટી રૂ.૬૪૮.૫૦ તથા સોયાતેલ વાયદાના ઘટી રૂ.૮૦૩ બોલાઈ રહ્યા હતા. નવી માગ પાંખી હતી.
વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ૪૮ પોઈન્ટ ઘટયો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૭.૫૦થી ૧૦.૦૦ ડોલર તૂટયાના સમાચાર હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો જોકે ઓવરનાઈટ ૪૨ પોઈન્ટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ વધુ ઊંચા બોલાઈ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧,૩૭૦, કપાસિયા તેલના રૂ.૮૩૦, સોયાતેલ ડીગમના રૂ.૭૭૫ તથા રિફાઈન્ડના રૂ.૮૧૦, સનફ્લાવરના રૂ.૮૯૦ તથા રિફાઈન્ડના રૂ.૯૩૦, મસ્ટર્ડના રૂ.૯૭૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં જોકે દિવેલના ભાવ આજે રૂ.૧૦ વધી રૂ.૮૩૦થી રૂ.૮૫૦, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૫૦ વધી રૂ.૪૦૫૦ બોલાઈ રહ્યા હતા. જોકે, એરંડા જુલાઈ વાયદો સાંજે રૂ.૧૪થી રૂ.૧૫ નરમ રહ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઉત્પાદક મથકોએ ખેડૂતો સિંગદાણા તથા કપાસના વાવેતર તરફ વળવાની શક્યતા છે અને તેના પગલે એરંડાના વાવેતરમાં ઘટાડો થવાની શક્યતા ચર્ચાઈ રહી હતી.
દરમિયાન, ઈન્ડોનેશિયાએ જુલાઈ માટે ક્રૂડ પામ ઓઈલની નિકાસ પરનો ટેક્સ ઝીરોના સ્તરે ચાલુ રાખવાના સમાચાર હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સોયાખોળ તથા સનફ્લાવર ખોળમાં રૂ.૩૦૦થી રૂ.૫૦૦ ઘટયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.૧,૩૫૦, ૧૫ કિલોના રૂ.૨,૧૩૦થી રૂ.૨,૧૪૦ તથા કોટન વોશ્ડના રૂ.૭૭૫થી રૂ.૭૭૮ રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં કોટનનો વાયદો ૯૩ પોઈન્ટ ઘટયો હતો, જ્યારે સોયાબીનનો વાયદો ૧૪ પોઈન્ટ વધ્યાના સમાચાર હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x