ગાંધીનગર

ગાંધીનગર : કોરોનાથી વધુ 2 મોત : જિલ્લામાં નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા.

ગાંધીનગર :
ગુજરાતમાં દરરોજના ૬૦૦થી પણ વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાઇ રહ્યાં છે તો સામે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં અત્યાર સુધી પપ જેટલાં વ્યક્તિઓ કોરોના સામેની જંગ હારી ચુક્યાં છે. આવી સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલાં સ્વામિનારાયણધામમાં સિક્યુરીટી જવાન તરીકે ફરજ નિભાવતો ૫૯ વર્ષિય પુરુષનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ દર્દીનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ૧૧ દિવસોથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી અંતે આ સિક્યુરીટી જવાને આજે અંતિમ શ્વાસ લીધો હતો. જ્યારે કલોલમાં રહેતાં ૭૫ વર્ષિય વૃધ્ધને લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનું કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું તે દરમિયાન વૃદ્ધનું આજે મોત નિપજ્યું હતું. જો કે ત્યારબાદ આ વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગરના શહેર વિસ્તારમાં આજે ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સેક્ટર-૩માં વધુ એક પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-૩/એમાં રહેતાં ૬૧ વર્ષિય વૃધ્ધા કોરોનામાં સપડાયાં છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે સેક્ટર-૪/બીમાં રહેતો ૨૪ વર્ષિય વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જ્યારે સેક્ટર-૩૦માં રહેતાં ૭૦ વર્ષિય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમને આસ્કા હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ગાંધીનગર નજીકના વાવોલમાં આજે બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. ૩૯ વર્ષિય યુવાન કે એપોલો ફાર્મસીમાં નોકરી કરે છે તે પોઝિટિવ આવ્યો છે. દવાની દુકાનમાં નોકરી કરતો હોવાના કારણે આ યુવાન ઘણા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હોવાનું આરોગ્ય તંત્ર માની રહ્યું છે. જ્યારે વાવોલમાં રહેતો ૧૯ વર્ષિય અન્ય યુવાન પણ કોરોનાથી સંક્રમિત થયો છે. વિદ્યાર્થી આ પોઝિટિવ યુવાન અગાઉ એક બર્થ ડે પાર્ટીમાં મિત્રો સાથે ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાંદેસણમાં રહેતો ૩૦ વર્ષિય યુવાન કે જે ટીસીએસમાં નોકરી કરે છે અને ઘણા વખતથી વર્ક ફ્રોમ હોમ કરે છે. જ્યારે આ યુવાનને ક્યાંથી ચેપ લાગ્યો તે તપાસનો વિષય છે. આ ઉપરાંત છત્રાલ જીઆઇડીસીમાં ધંધો કરતો કુડાસણના ૪૦ વર્ષિય યુવાન પણ કોરોનાથી સંક્રમિત થયો છે. જ્યારે મોટા ચિલોડામાં રહેતા પપ વર્ષિય આધેડ કે જે કાપડની દુકાન ધરાવે છે તેઓ પણ કોરોનામાં સપડાયા હોવાનું સામે આવી રહ્યું છે.
માણસા તાલુકાના પરબતપુરામાંથી પણ આજે બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. પરબતપુરામાં રહેતું દંપતિ કોરોનામાં સપડાયું છે. ૪૬ વર્ષિય ખેડુત અને ૪૫ વર્ષિય તેની પત્નિ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે.
ગાંધીનગરના હોટ સ્પોટ એવા કલોલ શહેર અને તાલુકામાંથી આજે વધુ આઠ કેસ પ્રકાશમાં આવ્યાં છે. સાંતેજમાંથી વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. વાલ્મીકીવાસમાં રહેતી ૨૬ વર્ષિય ગૃહિણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કલોલના અંબિકાનગર-રમાં રહેતા અને દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૫ વર્ષિય પુરુષ કોરોનામા સપડાયાં છે. અંબિકાનગર-રમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વસુંધરા ફલેટ ખાતે રહેતા ૬૩ વર્ષિય વૃધ્ધ સંક્રમિત થયાં છે. છત્રાલમાં રહેતા ૫૬ વર્ષિય સરકારી કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જામળાના ૬૯ વર્ષિય વૃદ્ધ સંક્રમિત થયા છે. જ્યારે કલોલના પંચવટી વિસ્તારની ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષિય ડોક્ટર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે કલોલના કનૈયાનગરમાં રહેતો ૪૦ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x