ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર આપો : પરેશ ધાનાણી
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા આજે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ ને ખેડૂતો ને યુરિયા ખાતર તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પૂરું પાડવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થયો છે ત્યારે જગતનો તાત ખેડૂત ચાલુ વર્ષે પોતાના ખેતરમાં સારુ અને વધુ ઉત્પાદન મેળવવા માટે આશા રાખીને બેઠો છે. પોતાના ખેતરમાં ઉગાડેલ પાકમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે યુરીયા ખાતરની જરૂરિયાત હોઈ ખેડૂત પોતાનું ખેતીનું કામ પડતું મૂકીને ગામમાં રહેલ સહકારી મંડળીએ ખાતર લેવા માટે સવારથી જ તપ ધરીને બેસે છે અને ત્યાં ખાતર ન મળતા તેને તાલુકા અથવા જિલ્લા મથકે જવું પડે છે, છતાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર મળતું નથી, જેથી ખેડૂતનો સમય વેડફાય છે અને ખેતીનું કામ પણ થઈ શકતું નથી. આ સંજોગોમાં જો ખેડૂતાને સમયસર યુરીયા ખાતર નહીં મળે તો પોતાના ખેતરમાં ઉગાડેલ પાકમાં મોટી નુકસાની જવાની અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના રહેલી છે.
આથી, ખેડૂતોના હિતમાં યોગ્ય વિચારણા કરી, અમરેલી જિલ્લામાં ખેડૂતોને યુરીયા ખાતર પૂરતા પ્રમાણમાં અને તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરાવવા વિનંતી કરી છે.