દેશમાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ, શું થશે ફરી લૉકડાઉન ?
નવી દિલ્હી :
દેશમાં કોરોના ફેલાવાની ઝડપ વધતી જઈ રહી છે. રવિવારે 40,537 દર્દીઓ મળ્યા હતા. આ પહેલીવાર છે કે જ્યારે 24 કલાકમાં 40 હજારથી વધુ દર્દી મળ્યાં હતાં. તેને મિલાવી કુલ ચેપગ્રસ્તો હવે 11,14,350 થઇ ગયા છે. આ સાથે જ દેશમાં ફરી લૉકડાઉનની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક રાજ્યોએ રવિવારથી જુલાઈ મહિનાના અંત સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. ગત 5 દિવસમાં 1.85 લાખ નવા દર્દી મળ્યા હતા. 24 કલાકમાં વધુ 675 લોકો મૃત્યુ પામ્યા. તેને મિલાવી અત્યાર સુધી કુલ 27,451 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી ચૂક્યા છે. દેશમાં રવિવારે મૃત્યુદર 2.46% રહ્યો હતો.
દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 9518 દર્દી મહારાષ્ટ્રમાં મળ્યા હતા. ત્યાં અત્યાર સુધી 3,10,455 લોકો ચેપગ્રસ્ત થઇ ચૂક્યા છે. ઉપરાંત મૃત્યુ પણ 11,854 સુધી પહોંચી ગયા છે. આંધ્રમાં પહેલીવાર 5041 દર્દી મળ્યા હતા. તેને મિલાવી રાજ્યમાં દર્દી 50 હજાર નજીક પહોંચી ગયા છે. તમિલનાડુમાં પણ 4979 નવા દર્દી મળી આવ્યા હતા, જેનાથી કુલ આંકડો 1.7 લાખને વટાવી ગયો છે. રવિવારે 22,763 દર્દી સાજા થયા હતા. જેથી કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 6,95,661 થઈ ગયો હતો. એટલે કે 62.42% લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.