ગામમાં જ રહેતી સૌથી વધુ ભણેલી દિકરીના હાથે કરાવાશે ધ્વજવંદન
ભુજ,
ગત ૨૬મી જાન્યુઆરીના ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ સાલે પણ ૨૬ મી જાન્યુઆરીના ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે પણ શરત એ છે કે તે દિકરી ગામમાં રહેતી હોવી જોઈએ. ઉપરાંત ગામમાં જેટલી દિકરીઓનો જન્મ થયો હોય તેટલી દિકરીઓ અને તેમના માતા પિતાને પણ સન્માનાશે.
વર્ષ-૨૦૧૬-૧૭માં રાષ્ટ્રીય કક્ષાએ બેટી બચાવો અને બેટી પઢાવોની ઝુંબેશ ચાલી રહી છે જેથી ૨૬મી જાન્યુઆરી-૨૦૧૭ પ્રજાસતાક દિન નિમીતે એસ.એમ.સી કક્ષાએ ‘દિકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમની ઉજવણી કરવાની થાય છે. જેના ભાગરૃપે કચ્છમાં પણ તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોને આ અંગે જાણ કરતો પરિપત્ર કરી દેવાયો છે. જેના ભાગરૃપે હાલમાં શાળાના આચાર્યો દ્વારા ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
ગત પ્રજાસતાક પર્વના તો ગામની સૌથી વધુ ભણેલી દિકરીઓને શોધી કઢાઈ હતી અને તેમના હસ્તે ધ્વજવંદન કરાવાયુ હતુ પણ બન્યુ એવુ હતુ કે અમુક ગામોમાં તે દિકરીઓ શહેરમાં રહેતી હતી જયારે આ પ્રજાસતાક પર્વે એ ફેરફાર કરવામાં આવ્યો છે કે સૌથી ભણેલી હોય પરંતુ તે દિકરી ગામમાં જ રહેતી હોવી જોઈએ. એટલે શાળાના આચાર્યોની દોડધામ વધી જવા પામી છે. તેમજ આ વર્ષે જે દિકરીઓનો જન્મ થયો હોય તે દિકરીઓ અને તેમના માતા પિતાને પણ સન્માનવામાં આવશે.