પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી યોજી બેઠક, જાણો શું થઈ ચર્ચા.
ગાંધીનગર :
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ-સારવારની સ્થિતીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે આ વર્ચ્યુએલ બેઠકમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાછલા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે પૂર્ણ સમર્પણ, મહેનત સાથે આ વૈશ્વિક મહામારી સામે સફળ સંઘર્ષ કરીને સ્થિતીમાં અનેકગણો સુધારો કર્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વમાં દેશ આખો કોરોના સામે જંગ લડી રહ્યો છે અને આ લડાઇ સાચી દિશામાં જઇ રહી છે. આપત્તિને અવસરમાં પલટાવીને આ મહામારી સામે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત કોરોનાની મહામારીને હરાવવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ૭૬ ટકા જેટલા પેશન્ટ રિકવરી રેટ સાથે કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારમાં ઉલ્લેખનીય કામગીરી કરી છે તેની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યમાં આજની સ્થિતીએ અંદાજે ૧૪ હજાર એકટીવ કોરોના કેસ સામે પપ હજારથી વધુ લોકોનો સારવાર બાદ સાજા થઇ પોતાના ઘરે પણ ચાલ્યા ગયા છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યની કુલ વસ્તીના સાપેક્ષમાં દરરોજ દર ૧૦ લાખે ૪પ૬ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આટલી મોટી સંખ્યામાં ટેસ્ટીંગની સુવિધાના હેતુસર ૩૪ સરકારી લેબોરેટરી સાથે પ૯ લેબ કાર્યરત છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને મહાનગરોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પણ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં લગભગ ૪૭ હજાર કોવિડ બેડ તેમજ ર૩૦૦ વેન્ટીલેટર્સ પણ કોરોના સંક્રમિતોની સઘન-ત્વરિત સારવાર માટે કાર્યરત છે તેની વિગતે જાણકારી આપી હતી.
તેમણે અમદાવાદ મહાનગરમાં ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ-19ના દર્દીઓને વિનામૂલ્યે ઇલાજ સારવારના તેમજ અન્ય દર્દીઓના રાહત દરે સારવારના પી.પી.પી. મોડેલની સુપ્રીમ કોર્ટ, નીતિ આયોગ અને હાઇકોર્ટ પ્રસંશા કરી છે તેની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મોબાઇલ મેડીકલ વાન-ઘનવંતરી રથ દ્વારા નાગરિકોને ઘર આંગણે ઓ.પી.ડી. વ્યવસ્થા આપવામાં આવે છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે, રાજ્યભરમાં આવા ૧ હજારથી વધુ ધનવંતરી રથના માધ્યમથી એક મહિનામાં બાવન લાખ લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને કારણે થતા મૃત્યુ દરમાં પણ ૭.૮ ટકાથી ઘટાડો થઇને ર.૧ ટકા સુધી નીચો લાવવામાં રાજ્ય સરકારને મળેલી કામયાબીનો ઉલ્લેખ કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ધનવંતરી રથ દ્વારા પોઝીટીવ કેસોની ત્વરિત જાણકારી, સંક્રમણ નિયંત્રણની સઘન તાલીમ, રેમ્ડીસિવિર અને ટોસીલીઝૂમેબ જેવી જીવન રક્ષક દવાઓની પૂરતી ઉપલબ્ધિથી આ મૃત્યુ દર નીચો લાવ્યા છીએ તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આગામી સ્વાતંત્ર્ય દિવસે રાજ્યમાં કોરોના વોરિયર્સના સન્માનના કાર્યક્રમથી આવા વોરિયર્સનું મનોબળ વધશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
તેમણે પ્રધાનમંત્રીશ્રીના સતત મળી રહેલા માર્ગદર્શન, દિશા-નિર્દેશોને પરિણામે આ મહામારી-પેન્ડેમીકનો હરાવવામાં દેશ સફળ થશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ, પોલીસ મહાનિદેશક શ્રી ભાટીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.