શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરાઈ
અમદાવાદ :
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ માનનીયશ્રી કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ શ્રી મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્યસચિવશ્રીઓએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય, તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર કટિબદ્ધ છે. પરિણામે, સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ માનનીય શ્રી કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી છે.
આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે તેમ વધુમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.