ગુજરાતમાં ઘરે ઘરે જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે.
ગાંધીનગર :
સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો વસે છે ત્યાં જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે. દ્વારિકાધીશ, શામળાજી, ડાકોર, ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરોમાં કાનુડાનો મહિમા ગવાઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની આઠમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. શ્રાવણ મહિનાની આઠમ પર મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જન્માષ્ટમી, ગોકુળ આઠમ અને કૃષ્ણજયંતીથી જાણીતો બધાનો માનીતો આ તહેવાર આ વખતે કોરોના હોવાથી સૌ કોઈ ઘરે રહીને ઉજવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે, આ વખતે સપ્તમિ યુતિ હોવાથી પરમ ઐશ્વર્યશાળી યોગમાં ઘણાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી છે. આજના આ શુભ મહાપર્વ પર સૌ કોઈ ઉપવાસ કરે છે. ભગવાનની પૂજા-અર્ચના કરે છે અને ભગવાનના આગમનને વધાવે છે.
ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ રહેવાનું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો છે. શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળશે. સ્થાનિકોને પણ મંદિરમાં પ્રવેશ નહિ અપાય. પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ થશે. તમામ શ્રધ્ધાળુઓને ઘરે બેસીને ભગવાનના દર્શન કરવાની અપીલ મંદિરના પૂજારી દ્વારા કરાઈ છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે દ્વારકામાં ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.