ગાંધીનગર

ગાંધીનગર-અમદાવાદ હાઈવે ઉપર આવેલી બાંધકામ સાઈટમાં ઉપર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ગાંધીનગર :
ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર તપોવન સર્કલ ઉપર આવેલી બાંધકામ સાઈટ ઉપર રહેતા બિહારના દંપતિએ ગઈકાલે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દોઢ મહિના અગાઉ જ તેમના લગ્ન થયા હોવાનું ખુલ્યું હતું. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બિહારના ર૮ વર્ષીય યુવાન વિનોદ હરમનસિંહ કોરાઈના દોઢ મહિના અગાઉ ર૪ વર્ષીય સોનીકુમારી સાથે લગ્ન થયા હતા. આ લગ્ન બાદ તે ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલા તપોવન સર્કલ પાસેથી આસ્થા નામની બાંધકામ સાઈટ ઉપર વેલ્ડીંગ કામ અર્થે આવ્યો હતો. જયાં તેની પત્નિને પણ સાથે લાવ્યો હતો. જો કે ગઈકાલે સવારના સમયે કોઈ કારણોસર આ પતિ પત્નિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના પગલે ત્યાં દોડી આવેલા અન્ય લોકોએ તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જયાં ગઈકાલે સાંજે વિનોદનું મોત નીપજયું હતું. જયારે રાત્રે તેની પત્નિ સોનીકુમારીએ પણ સારવાર દરમ્યાન દમ તોડયો હતો. આ ઘટના અંગે જાણ થતાં અડાલજ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને પુછપરછ પણ શરૂ કરી હતી. મૃતક યુવાન વિનોદનો નાનો ભાઈ પણ તેમની જ સાથે રહેતો હતો. જેણે કહયું હતું કે ભાઈ-ભાભીએ દવા પીધી ત્યારે તે ફોન કરવા બહાર ગયો હતો. હાલ અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x