ગુજરાત

અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4,074 ચો.મી. જમીન ફાળવાઈ, 31મી ઓક્ટોબર પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે

અમદાવાદ :
ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. સી પ્લેનનું એરોડ્રામ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 4,074 ચોરસમીટર જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને ફાળવવાનો નિર્ણય લીધો છે, સી પ્લેનના એરોડ્રામ માટેની જમીન સાબરમતી નદીના પશ્ચિમ બાજુના આંબેડકર બ્રિજ પાસેના પાલડી બાજુ ફાળવવામાં આવી છે. અગાઉ આ જગ્યા પર ગાર્ડન બનાવવાની યોજના હતી, પરંતુ હવે એરોડ્રામ માટે ફાળવવામાં આવી છે.
અમદાવાદ સાબરમતીમાં વોટર એરોડ્રામ માટે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન એરોડ્રામ બનાવવા માટેની લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવતી હોવાની રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી. મનસુખ માંડવિયા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ‘ અમદાવાદ આવી રહી છે ઇનોવેટિવ કોન્ક્રીટ લોટિંગ જેટી!’ તેમણે લખ્યું છે કે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા નદી પર બનનારા વોટર–એરોડ્રામનો આ ભાગ છે. સી પ્લેન ટૂંક સમયમાં જ હકીકત બનશે! સાથે જ તેમણે શિપિંગ મંત્રાલય અને ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ પ્રોજેકટમાં ઝડપ કરવા માટે વખાણ પણ કર્યા.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પીએમ મોદીએ અગાઉ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના અચાનક અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનથી મુસાફરી કરી હતી. જોકે બાદમાં આ પ્રોજેકટ અટવાઈ ગયો હતો. બાદમાં હવે એકાએક સી પ્લેન માટેની તૈયારીઓ પુરજોરમાં શરૂ થઈ ગઈ છે. હવે, કેન્દ્ર સરકારે 19 પેસેન્જરની ક્ષમતા ધરાવતાં ત્રણ એરોપ્લેનની પસંદગી કરી લીધી છે. આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઊડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સી પ્લેન દ્વારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર 50 મિનિટમાં કાપી શકાશે. અમદાવાદથી બાય રોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવામાં ૩ કલાક જેટલો સમય લાગે છે.
આ સિવાય સી પ્લેનની સર્વિસ શરૂ કરવા માટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસંદ કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રિજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી લાઇટ ઉડાણ ભરી શકાશે અને સી પ્લેનમાં 2 પાયલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x