કોરોના કાળમાં નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે SOP તૈયાર કરાશે
અમદાવાદ :
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવા માટે ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાતના કલેક્ટરો અને અધિકારીઓ સાથે ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના સૂઝાવો લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. દરેક શહેરની પાલિકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાના વોર્ડના નવા સીમાંકનની જાહેરાત કરી દીધા બાદ આ નવી કવાયત શરૂ કરવામાં આવી છે. સીમાંકન તથા રોટેશન અંગે કોઈએ વાંધા સૂચનો આપવા હોય તો તે પણ આપી દેવાની સૂચના આપવામાં આવી છે.
જોકે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરીને ચૂંટણી પૂર્વે જ જાહેર કરવામાં આવશે. આ માર્ગદર્શિકા તૈયાર કરતી વેળાએ કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જાહેર કરેલી માર્ગદર્શિકાને સંપૂર્ણપણે અનુસરવા ઉપરાંત દરેક બૂથમાં બેસનારા અધિકારીઓની સલામતીને પણ અગ્રક્રમ આપવામાં આવશે.
તેમ જ મતદાન કરવા માટે આવનારા મતદારોના આરોગ્યની સલામતી પણ ધ્યાનમાં લેવામાં આવશે. ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગના સચિવ એમ.વી. જોશીએ જણાવ્યું હતું. કેન્દ્રના ચૂંટણી પંચની માર્ગદર્શિકાને ધ્યાનમાં લેવા ઉપરાંત અર્બન એરિયામાં પંચાયતના અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરીને જડબેસલાક વ્યવસથા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દરેક વિસ્તારમાં કરોનાની સ્થિતિનો જ પહેલા ક્યાસ કાઢવામાં આવશે. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલય અને પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ ઉપરાંત વિશેષ સૂચનાઓ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. આ માર્ગદર્શિકા કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવશે.