જો મારી સરકાર આવશે તો ગુજરાતમાંથી આ કૃત્રિમ દારૂબંધી હટાવી લેવાશે : શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર :
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની વાતને અનુમોદન આપ્યું છે. આ અંગે વાઘેલાએ કહ્યું કે રાજ્યમાં ગાંધી-સરદારના નામે બહુ થયું અને હવે આ બધું બંધ કરી દારૂબંધી હટાવી લેવી જોઇએ. અગાઉ વાઘેલાએ કહ્યું હતું કે, જો તેમના પ્રજા શક્તિ મોરચા સમર્થિત સરકાર આવશે તો દારૂબંધી હટાવી લેશે.
નવસારીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં એક કિલોમીટરનો એરિયા એવો નહીં હોય કે જ્યાં દારૂ ન વેચાતો હોય. મૂળે તો પ્રતિબંધ લાગુ કરવો જ હોય તો વૈજ્ઞાનિક રીતે દારૂબંધીનો અમલ થવો જોઇએ. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર જેવાં શહેરો કે સંબંધિત રાજ્યોમાં દારૂબંધી નથી. આથી ગુજરાતમાં પણ હવે દારૂબંધીની જરૂર નથી. એવી નીતિ રાખો કે ગુજરાતના લોકોને પ્રવાસન માટે દીવ,દમણ, મુંબઇ, આબુ, શામળાજી-ઉદેપુર ન જવું પડે.
તેમણે વધુમાં કહ્યું કે જો વર્તમાન સરકાર દારૂબંધી હટાવી શકે તો ઠીક નહીં તો એવી સરકાર લાવો જે તમારી વાત માને. તેથી હું કહું છું કે આ કૃત્રિમ દારૂબંધી છે અને તે ગુંડા અને ભ્રષ્ટાચારનો અડિંગો છે. રોજ હજારો લિટર દારૂ પકડાય છે. એવી નીતિ રાખો કે લોકો નવસાર અને કેમિકલ ધરાવતો દારૂ ન પીવે.