રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બર પછી શાળાઓ ખોલવા અંગે સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ જોઈને રાજ્ય સરકારે શાળાઓ નહીં ખોલવા માટે નો મહત્વનો નિર્ણય લીધો. ગુજરાતમા ૨૧ સપ્ટેમ્બર પછી ધોરણ ૯ થી ૧૨ માટે શાળાઓ નહી ખૂલે. ભારત સરકારે અનલોક ૪ ની ગાઇડલાઇનમા રાજ્યોને નિર્ણય કરવા કહ્યુ હતુ. જેની SOP હમણાં જાહેર થઇ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જાહેરાત કરી છે.શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટે અને નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યનું સમગ્ર વહિવટી તંત્ર ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓને પણ સંક્રમિત થતા અટકાવવા માટે કેંદ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આગામી ૨૧મી સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળાએ માર્ગદર્શન માટે જવા માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણે વિદ્યાર્થીઓના હિતમાં શાળાએ માર્ગદર્શન માટે ન જવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.પરંતુ હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.
આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે 21મી તા૨૧, સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશેનહીં. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અનુસાર ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્યો માટે મરજિયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે. આવા સંજોગોમાં રાજ્યનાં સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસના માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.