ગાંધીનગરગુજરાત

રાજકીય ઈરાદાઓ પાર પાડવા ગુંડા ધારો લાવવાની સરકારને જરૂર પડી

ગાંધીનગર :
આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવાના વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ભાજપ સરકારે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે આ કાયદો લાવવાની જરૂર પડી છે, કારણ કે બિલમાં જે કાયદાઓની વ્‍યાખ્‍યામાં સુધારો કરવામાં આવ્‍યો છે તેવા આઈપીસી, સીઆરપીસી, એનડીપીએસ એક્‍ટ, માનવ તસ્‍કરી, જુગાર ધારો, નશાબંધી એક્‍ટ, ઈમોરલ ટ્રાફીક એક્‍ટ, આર્મ્‍સ એક્‍ટ, ડ્રગ્‍સ કંટ્રોલ એક્‍ટ, ડ્રગ્‍સ એન્‍ડ કોસ્‍મેટીક્‍સ એક્‍ટ, જમીન પચાવી પાડવી, અપહરણ જેવા તમામ કાયદાઓ રાજ્‍યમાં હયાત છે. સરકાર રાજ્‍યમાં ગુનાખોરી હોવાનું ભલે ન સ્‍વીકારે પરંતુ હાલ રાજ્‍યમાં ગુંડાઓનું રાજ પ્રવર્તતું હોય તેવો માહોલ જોવા મળે છે. રાજ્‍યમાં હાલ પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે ત્‍યારે સરકાર આ કાયદામાં ઉદ્દેશો નહીં પરંતુ પોતાના ઈરાદાઓ પાર પાડવા માટે આ કાયદો લાવી છે. સરકારના ઉદ્દેશો અને ઈરાદાઓ વચ્‍ચે ખૂબ મોટું અંતર છે. ખાખી વર્ધીને ગુંડાગીરીનો પીળો પરવાનો આપવાથી નવી પેઢીને સમગ્ર ગુજરાતને ક્‍યાંક ગુલામ બનાવવાનું સરકાર ષડયંત્ર રચી રહી હોય એવું લાગે છે. પોતાના ઈરાદાઓ પાર પાડવા સરકાર ઈચ્‍છે તે વ્‍યક્‍તિને છ મહિના સુધી વગર કારણે જેલમાં પુરવાની કાળી જોગવાઈઓ આ કાયદામાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. રાજ્‍ય સરકાર બહુમતીના જોરે આ કાળો કાયદો પસાર કરશે પણ જો સરકારની ઈચ્‍છાશક્‍તિ હોત તો પર્યાપ્‍ત કાયદાઓનો ઉપયોગ કરીને ગુજરાતની પ્રજાને ગુંડારાજમાંથી મુક્‍તિ અપાવી શકી હોત પરંતુ આજે રાજ્‍યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે, જેઓ સરકારના રડારમાં છે. જેથી રાજ્‍યમાં ખાખી વર્ધીને દાગ લગાડનારા કેટલાક લોકો સરકારની સૂચનાઓથી હાથી જેવા ગુંડાઓને હળવાશ આપશે અને નિર્દોષ સામાન્‍ય માણસને ડામ આપવાની જોગવાઈઓ આ કાયદો પસાર થતા થશે.
સરકાર દ્વારા આ કાયદો લાવવા પાછળ ક્‍યાંય ઘરકંકાસ તો જવાબદાર નથી ને ? રાજ્‍યમાં કોઈ રાજકીય પાર્ટીનું નેતૃત્‍વ કરનારા વ્‍યક્‍તિના 107 કેસ છે તો શું એને આ કાયદાનો ઉપયોગ કરીને જેલમાં પૂરી દેવાનું ષડયંત્ર છે ? ક્‍યાંક રાજકીય સ્‍કોર સરભર કરવાનો ઈરાદો હોવાની શંકા શ્રી ધાનાણીએ વ્‍યક્‍ત કરી હતી.
લોકશાહી એટલે પ્રજા દ્વારા, પ્રજા માટે, પ્રજા વતી ચાલતી વ્‍યવસ્‍થા. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. જેણે સમગ્ર દેશને ખાદીનો સંદેશો આપ્‍યો પરંતુ આ કાયદો પસાર થશે તો ખાદીનું નહીં માત્ર ખાખીનું જ રાજ ચાલશે. આ વિધાનસભામાં સરકારે માત્ર પ્રચારના પ્‍લેટફોર્મની વૃત્તિમાંથી બહાર આવવું જોઈએ અને રાજ્‍યમાં હાલ ઉપલબ્‍ધ કાયદાની અમલવારી કરીશું તો રાજ્‍યમાં શાંતિ અને સલામતી જળવાશે. જો આ કાયદો વિધાનસભામાં પસાર થશે તો કેન્‍દ્રીય કાયદાઓનું ઉલ્લંઘન થશે. નામદાર કોર્ટના અધિકારક્ષેત્રોને રૂંધવાનો પ્રયાસ આ કાયદામાં થતો હોય તેમ જણાય છે. રાજ્‍ય અને કેન્‍દ્રના કામની જે વહેંચણી હતી તેનું ઉલ્લંઘન પણ થતું હોય તેમ જણાય છે. નિર્દોષ લોકોને બચાવના અધિકાર ઉપર તરાપ લાગશે. સામાન્‍ય માણસના ન્‍યાયનો અધિકાર રુંધાશે. આંદોલનના અધિકાર ઉપર તરાપ લાગશે. આવા બચાવના અધિકારો છીનવાતા રાજ્‍યમાં નવી પેઢી ગુલામ પેદા થશે, જેથી સરકારે આ કાયદો પરત ખેંચવો જોઈએ અને પ્રવર સમિતિને સોંપવા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ માંગણી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x