ગાંધીનગરગુજરાત

પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી વંચિત રાખવાનું સરકારનું ષડયંત્ર : પરેશ ધાનાણી

ગાંધીનગર :
• ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે.
• અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે
• રાજ્‍યમાં બાકી રહેલ ૧૦૮ તાલુકાઓને તાત્‍કાલિક અસરગ્રસ્‍ત જાહેર કરો.
• ખેડૂતોને ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી, મજૂરી વગેરે પાછળ કરેલ વાસ્‍તવિક ખર્ચનું પૂરેપૂરું વળતર ચૂકવવું જોઈએ. – પરેશ ધાનાણી
રાજ્‍યમાં કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે કૃષિ અને સહકાર વિભાગે તા. ૧૦-૮-૨૦૨૦ના રોજ મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. રાજ્‍યમાં ૧૯૮૬થી ખેડૂત પાક વીમા યોજના ચાલુ હતી એને વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કૃષિ ફસલ બીમા યોજનામાં પરિવર્તિત કરી. મને લાગે છે કે, આ વર્ષે ૧૯૮૬થી ચાલતી યોજનાને શટર પાડી દીધું, પાટીયું પાડી દીધું, બંધ કરી દીધું અને હવે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનાના નામે યોજના જાહેર કરી છે. ત્‍યારે આ ઠરાવમાં સરકાર દ્વારા અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની જે વ્‍યાખ્‍યા કરવામાં આવી છે એનાથી રાજ્‍યના લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી. જગતના તાતને જીવાડવા માટે સરકારે તાત્‍કાલિક આ ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે.
(૧) અનાવૃષ્‍ટિ (દુષ્‍કાળ)માં બે વરસાદ વચ્‍ચે સતત ચાર અઠવાડીયા એટલે કે ૨૮ દિવસ વરસાદ પડેલ ન હોય તેવી શરત રાખવામાં આવેલ છે, તેના બદલે બે વરસાદ વચ્‍ચે બે અઠવાડીયાથી વધુ ગાળો હોય તો પણ વાવેતર થયેલ પાક વરસાદના અભાવે નાશ પામે છે. જેથી આ સમયગાળો બે અઠવાડીયાનો કરવો.
(૨) છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ કરતાં ૨૦% કરતાં ઓછો વરસાદ પડયો હોય તો અર્ધઅછત અને ૪૦% કરતાં ઓછો વરસાદ પડયો હોય તો પૂર્ણ અછત જાહેર કરવી.
(૩) સરેરાશ વરસાદ કરતા ૨૦% કરતાં વધુ વરસાદ પડે તો અતિવૃષ્‍ટિ અને ૨૦%થી ૪૦% વચ્‍ચે પડે તો ગંભીર અતિવૃષ્‍ટિ અને ૪૦% કરતાં વધુ વરસાદ પડે તો અતિ ગંભીર સ્‍થિતિ ગણવી.
(૪) પાક નુકસાનીના સર્વે અંગે વૈજ્ઞાનિક પદ્ધતિ કે માપદંડ નક્કી કરી વિસંગતતા તથા વ્‍હાલા-દવલાની નીતિ નિવારવી જોઈએ. જેમ કે, આનાવારી કરવા માટેના ધોરણો મુજબ કમિટી બનાવવામાં આવે છે તે મુજબ પાક નુકસાનીના સર્વે અંગે પણ તાલુકા કક્ષાએ સરપંચ, ગ્રામસેવક વગેરે પાંચ સભ્‍યોની કમિટી બનાવી સર્વે કરાવવો જોઈએ અને જે અંગેનું પંચરોજકામ પણ કરવું જોઈએ, જેથી ખોટો સર્વે ન થાય અને ખેડૂતોને આર્થિક નુકસાનીનું પૂરતું વળતર મળે.
(૫) સને ૨૦૦૮ સુધી ગામ રેકર્ડ મેન્‍યુઅલ થતા હતા એટલે કે તલાટી હસ્‍તક આ કામગીરી હતી. ૨૦૦૮ પછી ગામ નમુનાઓ કોમ્‍પ્‍યુટરાઈઝ થતા ૭/૧૨ એટલે કે પાણીપત્રકની જવાબદારી સરકારની હોવી જોઈએ. જેમ કે, તલાટી/ ગ્રામસેવક દ્વારા ખેડૂતના પાકનો સર્વે કરી કયા પાકનું વાવેતર કર્યું છે તેની નોંધ કોમ્‍પ્‍યુટર રેકર્ડમાં થવી જોઈએ, તેના બદલે આ જવાબદારી ખેડૂતને સોંપવામાં આવી છે, જેનાથી ખેડૂત તેઓએ વાવેતર કરેલ પાકની નોંધ ૭/૧૨માં કરવાનું ચૂકી જાય અને આવું સતત ત્રણ વર્ષ સુધી બને તો તેઓની જમીન સરકારી પડતર ગણી સરકાર હસ્‍તક લઈ લેવામાં આવે છે. આવા કિસ્‍સા રાજ્‍યમાં બને છે, જેથી આ બાબતને સરકારે ગંભીરતાથી લઈ પંચાયત/મહેસુલ તલાટીને આ કામગીરી સોંપવી જોઈએ.
રાજ્‍યમાં દરેક જિલ્લાની વરસાદની પેટર્ન જુદી જુદી છે. કચ્‍છમાં સરેરાશ ૧૦ ઈંચ વરસાદ પડે તો ત્‍યાંના ખેડૂત માટે જાણે કે સોનાનો સુરજ ઉગ્‍યા જેવું લાગે છે. જ્‍યારે વલસાડમાં ૧૦ ઈંચ વરસાદ પડે એ એક ઝાપટામાં જતો રહે છે ત્‍યારે અનાવૃષ્‍ટિ હોય કે અતિવૃષ્‍ટિ હોય, એસ.ડી.આર.એફ.ના ધારાધોરણો મુજબ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વરસાદ ઉપર ટકાવારીના ધોરણે સરકારે અસરગ્રસ્‍ત વિસ્‍તાર અને અતિ ગંભીર વિસ્‍તારની વ્‍યાખ્‍યા નક્કી કરી હતી એ મુજબ આગળ વધીશું તો વ્‍હાલા-દવલાની નીતિમાંથી ખરેખર અસરગ્રસ્‍ત વિસ્‍તારોને ઓળખીને લોકોને લાભ આપી શકીશું. સળંગ બે અઠવાડીયા વરસાદ ખેંચાય તો ખેતરમા છોડનું મુળ બળી જાય પછી એ છોડ પુનઃ જીવિત કરી શકાતો નથી ત્‍યારે ચાર અઠવાડીયાના બદલે બે અઠવાડીયા કરવા સરકાર પાસે માંગ કરી હતી. વરસાદની વ્‍યાખ્‍યામાં સરેરાશ ત્રણ વર્ષના રેઈનફોલ ડેટાના આધારે ટકાવારીના ધોરણો ઉપર ૧૦૦%, ૧૧૦%, ૧૨૦%, ૧૩૦%, ૧૪૦%, ૧૫૦%…… તો એનાથી એક યુનિફોર્મ પેટર્ન બનશે અને રાજ્‍યમાં ખેડૂતોમાં વ્‍હાલા-દવલાની નીતિમાંથી બહાર અવાશે.
સરકારે રાજ્‍યમાં સરેરાશ ત્રણ વર્ષના વરસાદના આધારે કેટલો વરસાદ વરસ્‍યો એની સરેરાશના આધારે સર્વે કરાવવા જોઈએ. રાજ્‍યમાં પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં સરળીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. ખેડૂતોએ એના ખેતરમાં કયો પાક વાવેતર કર્યો છે તેની નોંધણી કરાવવાની જવાબદારી વર્ષ ૨૦૦૮થી ભાજપ સરકારે ખેડૂતો ઉપર નાંખી દીધી છે. આથી ગામડાનો અભણ ખેડૂત આવી નોંધણી ન કરાવી શકતાં પાક વીમાના લાભથી વંચિત રહે છે. આમ ખેડૂતાને પાક વીમાથી વંચિત રાખવાનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા રચવામાં આવ્‍યું છે.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૩૧ ઓગસ્‍ટ, ૨૦૨૦ના રોજ મુખ્‍યમંત્રીશ્રી પાસે રાજ્‍યના તમામ તાલુકાઓને અસરગ્રસ્‍ત જાહેર કરવા માંગણી કરી હતી, જે પૈકી સરકાર દ્વારા ૧૨૩ તાલુકાઓને જાહેર કર્યા પણ બાકીના ૧૦૮ તાલુકાઓ શા માટે બાકી રહી ગયા છે તેનું પુનઃ મૂલ્‍યાંકન કરીને સત્‍વરે અસરગ્રસ્‍ત જાહેર કરવા જોઈએ.
રાજ્‍ય સરકાર દ્વારા ૧૨૩ તાલુકાઓ અસરગ્રસ્‍ત જાહેર કરાયા છે. જેમાં ૩૭૮% વરસાદ પડયો હોય તેવો કચ્‍છનો માંડવી તાલુકો અને ૭૩% વરસાદ પડયો હોય તેવો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનો પણ સમાવેશ થયો છે. ત્‍યારે ધારાધોરણો મુજબ અસરગ્રસ્‍ત જાહેર કરવામાં ચુકાઈ ગયેલા અને ૭૩%થી વધુ વરસાદ નોંધાયો છે તેવા ૧૦૮ તાલુકાઓ પૈકી ૧૦ તાલુકામાં ૧૪૦-૧૬૦%થી વધુ વરસાદ, ૧૯ તાલુકામાં ૧૨૦-૧૪૦%થી વધુ વરસાદ, ૩૪ તાલુકામાં ૧૦૦-૧૦૦%થી વધુ વરસાદ અને ૪૫ તાલુકામાં ૭૩%થી વધુ વરસાદ પડયો હોવા છતા આવા તાલુકાઓને સરકાર દ્વારા અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ નથી.
ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું ૧૫.૫% યોગદાન છે. રાજ્યમાં ૫૪.૪૮ લાખ ખેડૂત છે, ૬૮ લાખથી વધુ લોકો ખેતમજુરી ઉપર નભે છે. ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો જીડીપી મજબુત થશે. રાજ્‍યમાં ખેડૂતોને ખેતરમાં વાવેતરમાં ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી, મજૂરી વગેરે પાછળ હેક્‍ટરદીઠ રૂ. ૩૦ હજારનો ખર્ચ થતો હોય ત્‍યારે સરકાર દ્વારા જે સહાયના ધોરણો નક્કી કરવામાં આવ્‍યા છે તે અપૂરતા છે. ખેડૂતોને તેઓએ કરેલ વાસ્‍તવિક ખર્ચનું પૂરેપૂરું તથા બે હેક્ટરના બદલે સંપૂર્ણ વાવેતર વિસ્તારનું વળતર સરકારે ચૂકવી આપવું જોઈએ તેવી માંગ શ્રી પરેશ ધાનાણીએ સરકાર પાસે કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x