દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 65 લાખને પાર
24 કલાકમાં નવા 75,829 પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો
દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 65 લાખને પાર થઈ ગયો છે. રવિવારે વિતેલા 24 કલાકમાં નવા 75,829 પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થતા અત્યાર સુધીમાં દેશમાં કુલ પોઝિટિવ કેસો 65,49,373 થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધીમાં દેશમાં 55 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ ગયા છે. આ સાથે જ રિકવરી રેટ 84.13 ટકા થયો છે. વિતેલા 24 કલાકમાં વધુ 940 લોકોના મોત થતા દેશમાં અત્યાર સુધીમાં કોવિડ 19થી મૃત્યુઆંક 1,01,782 પર પહોંચ્યો છે.
કેન્દ્રીય મંત્રાલયના ડેટા મુજબ કુલ 55,09,966 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતા. દેશમાં કોરોના સંક્રમિત સક્રિય કેસોનો આંક 9,37,625 થયો છે. દેશમાં કુલ કેસો પૈસી સક્રિય કેસોની ટકાવારી 14.32 ટકા છે. જ્યારે કોરોનાથી મૃત્યુદર 1.55 ટકા નોંધાયો છે. આંકડાકિય દ્રષ્ટિએ 7 ઓગસ્ટના કોરોનાના કુલ સંક્રમિતોનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના 30 લાખ, 5 સપ્ટેમ્બરના 50 લાખ દર્દીઓ નોંધાયા હતા.
16 સપ્ટેમ્બરના 50 લાખનો આંક પાર થયો હતો તેમજ 28 સપ્ટેમ્બરના 60 લાખ દર્દીઓનો આંકડો નોંધાયો હતો. એક સપ્તાહથી ઓછા સમયમાં વધુ પાંચ લાખ દર્દીઓ કોરોના સંક્રમિત થતા રવિવારે દેશમાં કુલ કોરોના દર્દીઓનો આંક 65 લાખને વટાવી ગયો છે. આઈસીએમઆરના મતે અત્યાર સુધીમાં 7,89,92,534 કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. 3 ઓક્ટોબરના દેશમાં કુલ 11,42,131 કોરોના સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું.