રાષ્ટ્રીય

બિહાર ચૂંટણી: ભાજપ-જેડીયુ વચ્ચે 50:50 ફોર્મ્યુલા પર નીતીશ થયા સહમત

બિહારમાં મહાગઠબંધનની બેઠક ફાળવણી બાદ રવિવારે એનડીએમાં પણ સીટ ફાળવણીની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. સૂત્રોના મતે ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠક ફાળવણીને લઈને જાહેરાત થઈ શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આખરે ભાજપ સામે ઝુકવું પડ્યું છે અને 50-50ની ફોર્મ્યુલા પર સહમત થઈ ગયા છે.
જેડીયુ અગાઉ ભાજપ કરતા વધુ બેઠકો પર લડવાનો આગ્રહ રાખી રહી હતી પરંતુ આખરે તેમણે પોતાની હઠ છોડવી પડી છે. આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ જેડીયુ 122 બેઠકો પર તેમજ ભાજપ 122 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જેડીયુએ અગાઉ ભાજપની પરંપરાગત બેઠકો પર પણ ઉમેદવારી કરવાની માગ કરી હતી જો કે હવે તેમણે માગ પડતી મુકી છે.
બિહાર રાજકારણમાં આ વખત મોટા ફેરફાર જોવા મળે છે. હિન્દુસ્તાની આવામ મોર્ચાના જીતન રામ માંઝીને જેડીયુ પોતાના ક્વોટામાંથી બેઠક ફાળવશે જ્યારે ભાજપ તેના ક્વોટામાંથી એલજેપીને બેઠક ફાળવશે. ભાજપ એલજેપીને પોતાના ક્વોટામાંથી બેઠક ત્યારે જ ફાળવશે જ્યારે ચિરાગ પાસવાન એનડીએનો હિસ્સો બની રહે. ચિરાગ પાસવાને બિહાર ચૂંટણીમાં પોતાને વધુ બેઠકો ફાળવવાની માંગ કરી છે અને તેઓ એકલાહાથે 143 બેઠકો પર લડવાની વાત કરી રહ્યા છે.
ભાજપ અને જેડીયુ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત શનિવારે પટણામાં યોજાઈ હતી. શનિવારે જેડીયુના ચાર મોટા નેતા લલન સિંહ, આરસીપી સિંહ, વિજય ચૌધરી અને વિજેન્દર યાદવે દેવેન્દ્ર ફડણવિસ, ભુપેન્દ્ર યાદવ સાથે ચાર કલાક મેરેથોન બેઠક યોજી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x