દીપિકાની પૂછપરછ કરનાર કેપીએસ મલ્હોત્રા કોરોના પોઝિટિવ
સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના મતે તેઓ મુંબઈથી દિલ્હી જતા રહ્યા છે. તેમણે 26 સપ્ટેમ્બરના રોજ દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન NCBએ જાણીતા પ્રોડક્શન હાઉસના કર્મચારીની અટકાયત કરી હતી. આ કર્મચારી પાસેથી 70 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે, હજી સુધી પ્રોડક્શન હાઉસનું નામ તથા કર્મચારીના નામનો ખુલાસો થયો નથી.
એનસીબીની ટીમે ડ્રગ્સ કેસમાં દીપિકા ઉપરાંત સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર તથા પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે અનેક જાણીતા એક્ટર્સ તથા ડિરેક્ટર્સ સહિત 50 લોકો NCBના રડાર પર છે. અત્યાર સુધી આ કેસમાં 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રિયા, તેનો ભાઈ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, હાઉસ કીપર દિપેશ સાવંતની સાથે ધર્મા પ્રોડક્શનનો પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ કરવામાં આવી છે.