ચિલોડાની એલીગન્સ રેસીડેન્સીના બિલ્ડર સામે મહિલાની છેતરપીંડીની ફરિયાદ
ગાંધીનગર જીલ્લાના મોટા ચિલોડાની એલીગન્સ રેસીડેન્સીમાં પરિચીત બિલ્ડર પાસે ફલેટ બુક કરાવનાર વડોદરાની મહિલાને કડવો અનુભવ થયો છે. નવ વર્ષ બાદ પણ બિલ્ડરે ફલેટ નહીં આપીને અન્ય કોઈને વેચી દેવા સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વડોદરાના માંજલપુર ખાતે રહેતાં મહિલા માધુરીબેન સુશિલ દુબેએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સે-ર૧માં ૬૬૪, શાંતિ પેલેસ ખાતે રહેતાં સુરજ ચંદ્રકાંત પાંડે તેમના પિતાના મિત્ર હતા અને જાણવા મળ્યું હતું કે સુરજ પાંડે દ્વારા લેકાવાડા ખાતે સુર્યાંશ રેસીડેન્સી ડીઝાયર ઈન્ફ્રાસ્ટ્રકચર ચલાવે છે.
જેમણે ચિલોડા એલીગન્સ રેસીડેન્સીમાં ફલેટ નં.૧૦૩ માધુરીબેનને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. માધુરીબેને આ પેટે વર્ષ ર૦૧૧થી અલગ અલગ તબકકે પરિચીત બિલ્ડર સુરજ પાંડેને ૧પ.પ૦ લાખ રૂપિયાની રકમ ચુકવી દીધી હતી. જયારે ફલેટનું પઝેશન માંગતા સુરજ પાંડે દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતાં હતા અને ફલેટ આપવામાં આવતો નહોતો. પછી તેમને એફ-૧૦૩ના બદલે બી-૧૦૩ ફલેટ આપવાની તૈયારી બતાવી હતી.
પરંતુ આ બી-૧૦૩નો ફલેટ પણ અન્ય કોઈ વ્યક્તિને આપી દીધો હતો. ત્યારબાદ તેણે ફલેટની સગવડ થાય તેમ નથી તેવું કહી વર્ષ ર૦૧૯માં અઢી લાખનો ચેક આપ્યો હતો. જે ચેક પણ રીટર્ન થતાં વડોદરા કોર્ટમાં ૧૩૮ મુજબ ફરિયાદ પણ કરી હતી. ત્યારે આ ૧પ.પ૦ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત સંદર્ભે સે-૭ પોલીસે બિલ્ડર સુરજ પાંડે સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.