ભાજપમાં કયા પક્ષપલટુઓને ટીકિટ મળશે અને કોનુ પત્તુ કપાશે. જાણો..
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3જી નવેમ્બરે યોજાવાની છે. ત્યારે આ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેને લઇને ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળી હતી. જેમાં બેઠક દીઠ ઉમેદવારની ત્રણ નામોની પેનલ નક્કી કરી હાઈ કમાન્ડને મોકલવા નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તે પહેલાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુઓની ટિકિટ પાક્કી છે. જેમાં મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ આપવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બાકીની ત્રણ બેઠકો પર ભાજપ ઉમેદવારોની પેનલ બનાવીને હાઈકમાન્ડને મોકલશે. આ પેનલને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થશે.