ડ્રગ્સ કેસ: રિયા સહિત 5 આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી
બોલિવૂડની ડ્રગ્સ લીલાને લઈને સરકારી એજન્સીઓ સતત તપાસમાં લાગી છે. સુશાંતસિંહ રાજપૂત કેસને લઈને તપાસની વચ્ચે આજે ડ્રગ્સ મામલામાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીની જામીન અરજી ઉપર બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય આવી શકે છે. આરોપીઓની જમાનતને લઈને સવારે 11 વાગ્યે સુનાવણી થશે. વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને તેના ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંતની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે. આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી.
સુશાંત કેસમાં મુંબઈ પોલીસ કમિશ્નરે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા નિવેદન આપ્યું હતું કે સુશાંત કેસમાં મુંબઈ પોલીસને બદનામ કરવામાં આવી છે. ન્યાયના બહાના હેઠળ સોશિયલ મીડિયા ઉપર નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. હવે આ ખોટી અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટની વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે.
તેણે વધુમાં કહ્યું કે સુશાંત કેસની તપાસથી મુંબઈ પોલીસને હટાવવા પાછળ એક આયોજનબદ્ધ ષડયંત્ર હતું. મુંબઈ પોલીસ કમિશ્નરે કહ્યું કે આ એકાઉન્ટ દેશ વિદેશથી ચલાવવામાં આવ્યા. ત્યારે મીડિયાનો એક વર્ગ પણ ખોટું અભિયાન ચલાવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે મુંબઈ પોલીસની તપાસ કોઈ કસર નહોતી.