દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 67 લાખને પાર, 1.04 લાખ દર્દીઓનાં મોત
દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 67 લાખને પાર થઈ ગયો છે બીજી તરફ સોમવારે આંશિક રાહત બાદ મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યામાં 10 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 72,049 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 986 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 67,57,132 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
વિશેષમાં, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 57 લાખ 44 હજાર 694 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,07,883 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 8,22,71,654 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 6 ઑક્ટોબરે કોરોના વાયરસના 1335 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1473 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 10 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,45,362 એ પહોંચી ગયો છે.