કૂલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાન કોર્ટમાં જ બોલ્યું ખોટું; કહ્યું-ભારતે વકીલ આપ્યો નથી
કૂલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને પોતાના જ દેશની કોર્ટમાં ખોટું બોલવાની ધૃષ્ટતા કરી હતી. પાકિસ્તાને મંગળવારે ઇસ્લામાબાદની એક કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ભારતે કૂલભૂષણ જાધવ માટે વકીલની વ્યવસ્થા કરી નથી. હકીકત એ છે કે જાધવ માટે એક વકીલ અથવા ક્વીન્સ કાઉન્સેલ નિયુક્ત કરવાની ભારતની વિનંતીને પાકિસ્તાને વારંવાર ઠુકરાવી દીધી હતી. હજુ ગયા ગુરૂવારેજ ભારતે જાધવના કેસમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર સુનાવણી માટે એક બાહોશ વકીલ આપવામાં આવે. પરંતુ પાકિસ્તાને એ માગણી ઠુકરાવી દીધી હતી. ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કૂલભૂષણ જાધવને ભારતીય જાસૂસ ગણાવીને પાકિસ્તાને 2017માં એમની ધરપકડ કરી હતી અને એપ્રિલ 2017માં તેમને મોતની સજા ફરમાવી દીધી હતી.
એમને ભારતીય જાસૂસ ગણાવવા ઉપરાંત એમને આતંકવાદી ગણાવી દીધા હતા. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અતહર મીનાલ્લાહે ગયા મહિને ભારતને જાધવ માટે વકીલ નીમવા વધુ એક તક આપવાની જાહેરાત કરી હતી. મંગળવારે ત્રણ જજોની બનેલી બેન્ચે જાધવ કેસની સૂનાવણી કરી હતી. પાકિસ્તાને વધુ એક વખત એવો દાવો કર્યો હતો કે ભારત જાધવ માટે વકીલ નિયુક્ત કરતું નથી. વાસ્તવિકતા જુદી હતી. પાકિસ્તાનના કાયદા ખાતાએ કોર્ટમાં એવો દાવો કર્યો હતેા કે છઠ્ઠી ઓક્ટોબર સુધીમાં જાધવ માટે વકીલ નિયુક્ત કરવામાં ભારત નિષ્ફળ નીવડ્યું હતું.
પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કોર્ટને પ્રશ્ન કર્યો હતો કે ભારતની સંમતિ વિના હાઇકોર્ટ જાધવ માટે વકીલની નિમણૂક શી રીતે કરી શકે. જો કે હાઇકોર્ટે એટર્ની જનરલને સવાલ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય કોર્ટે જણાવ્યા મુજબ હાઇકોર્ટ જાધવ માટે વકીલની નિમણૂક કરી શકે છે. હવે આ કેસની નવી તારીખ નવેંબરની 9મીની જાહેર કરાઇ હતી. પાકિસ્તાન એની દાંડાઇ છોડતું નથી અને કેસને વિના કારણે સતત લંબાવ્યા કરે છે.