આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ થયું હેક
વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, થોડા સમય અગાઉ વિશ્વની નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી. રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ મથક ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આઈપીએસ અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળતા હડકંપ મચી જવા પામી છે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આપોઆપ તેમના ફેક આઈડી માંથી મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળવા લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલ હાલ દિલ્હીમાં ડેપ્યૂટેશન પર છે.
તેઓ અમદાવાદ જોઈન્ટ.પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. રોજના દસ હજાર કરોડ મેસજનું આદાન પ્રદાન અને સો કરોડ સ્ટોરીઝને જે પ્લેટફેર્મ પરથી શેર કરવામાં આવતી હોય અને સાથે જ 265 કરોડ એક્ટિવ યૂઝર ધરાવતી વર્લ્ડની નંબર એક સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર છેલ્લા કેટલાય સમયથી સાઈબર હુમલા વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને એકાઉન્ટ હેક કરવું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફેસબુકના માધ્યમથી પાસવર્ડ પણ ચોરવાનો પ્રયત્ન થાય છે, ત્યારબાદ એકાઉન્ટ રિલીઝ કરાવવા માટે પણ ખંડણી માંગવામાં આવે છે. 7 જુલાઈ 2020ના આંકડા મુજબ માત્ર ભારતમાં ફેસબુક યૂઝર્સની સંખ્યા 29 કરોડની આસપાસ છે. જે આખી દુનિયામાં સૌથી વધુ છે અને સતત વધી રહી છે.