ગુજરાત

વાદળોના ટોળાએ ગુજરાતનું હવામાન બગાડ્યું, ઠેરઠેર વરસાદ તૂટી પડ્યો

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં ગઈકાલથી વાતાવરણ પલટાયેલું છે. વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. તો ક્યાંક વીજળીના કડાકા સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ કમોસમી વરસાદથી સૌથી મોટી ચિંતા ખેડૂતોના માથા પર આવી છે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 16 થી 19 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને અલર્ટ આપવામાં આવ્યું છે. હાલ હૈદરાબાદ પર સક્રિય વરસાદી સિસ્ટમ મુંબઇના માર્ગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા ગુજરાતમાં વરસાદ આવશે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવું હવામાન ખાતાનું કહેવું છે. અરવલ્લીના શામળાજી પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને પગલે મગફળી મકાઈના પાકને નુકશાન થયેલું જોવા મળ્યું છે. તૈયાર થયેલો પાક ખેડૂતોએ ખેતરોમાં સૂકાવા માટે મૂક્યો હતો. હવે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના તૈયાર પાકનો સોથ વળી ગયો છે. કચ્છમા પણ હવામાન ખરાબ થતા કચ્છથી દરિયો ખેડવા ગયેલી બે હજાર બોટોને પરત બોલાવી લેવાઈ છે. 1370 બોટ કિનારે લાંગરી દેવાઈ છે. 130 બોટ જખૌના દરિયા કિનારાની નજીક લાંગરી દેવાઈ છે.
આ વિશેની સૂચનાઓ મત્સ્ય વિભાગે જાહેર કરી છે. લખપત અને કોટેશ્વર વિસ્તારના માછીમારોએ પોતાની બોટ સુરક્ષિત લાંગરી દીધી છે. પાટણ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના 6 તાલુકાઓમાં રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પાટણ, સમી, હારીજ, શંખેશ્વર, ચાણસ્મા, સાંતલપુર પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગત મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે પાછોતર વરસાદથી ઉભા ખરીફ પાકોને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કપાસ, કઠોળ, બાજરી, જુવાર, ઘાસચારો સહિતના પાકોમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x