અગ્નિકર્મથી ત્રણ વર્ષમાં રર હજારથી વધુ દર્દીઓને દુઃખાવામાં રાહત મળી
ગાંધીનગર,
આયુર્વેદની ત્રણ હજાર વર્ષ પ્રાચીન લુપ્ત થઇ રહેલી ચિકિત્સા અગ્નિકર્મને પુનઃ જીવીત કરવામાં આવી છે. જેમાં સારવાર લીધેલાં ૨૨ હજારથી વધુ દર્દીઓને દુઃખાવામાંથી રાહત મળી છે જ્યારે આ ચિકિત્સા સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ડોક્ટરો જોડાય તેના ભાગરૃપે રવિવારે અમદાવાદ ખાતે સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય આયુર્વેદની ત્રણ હજાર વર્ષ પ્રાચીન લુપ્ત થઇ રહેલી ચિકિત્સા એવી અગ્નિકર્મને પુનઃજીવીત કરીને દર્દીઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ગાંધીનગર પાસે આવેલાં પેથાપુરમાં પણ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં અસંખ્ય દર્દીઓએ સારવાર લઇને દુઃખાવામાં રાહત મેળવી છે ત્યારે વિદેશના ડોક્ટરો પણ આ પદ્ધતિ અંગે માહિતગાર થાય તેના ભાગરૃપે તા.૨૯ જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે નેશનલ સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમીનારમાં ભાગ લેવા આવેલા ડોક્ટરોએ પેથાપુર ખાતેના સેન્ટરની મુલાકાત લીધી હતી અને આ પદ્ધતિ વિશે અવલોકન કરીને સારવારનો લાભ લીધેલા દર્દીઓ સાથે મુલાકાત પણ કરી હતી. અગ્નિકર્મ પદ્ધતિથી સાંધાના દુઃખાવા જેવા કે, ઢીંચણ, કમર સહિત સ્નાયુ અને ગાદીની તકલીફવાળા રર હજારથી વધુ દર્દીઓએ ત્રણ વર્ષમાં સારવાર મેળવીને દુઃખાવામાં રાહત મેળવી છે. બુધ, ગુરુ અને શુક્રવારના રોજ પેથાપુરના આ સેન્ટર ખાતે વિનામૂલ્યે અગ્નિકર્મ સારવાર આપવામાં આવી રહી છે તેવું વૈદ્ય અશ્વિન બારોટે જણાવ્યું હતું.