પીએમ મોદીએ કેશુબાપાના તથા કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતમાં આ કોરોના કાળ દરમિયાન ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિયોએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. આપણે ખાસ કરીને આજે ગુજરાતની વાત કરવી છે જેમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ગુજરાતમાંથી નામચીન વ્યક્તિયોએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. જેમાં સૌ પ્રથમ મહેશ કનોડિયા ત્યાર બાદ તેમના નાના ભાઈ નરેશ કનોડિયા જે ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર ગણાતા હતા. ત્યારે ગઈકાલે ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુબાપાનું દુ:ખદ અવસાન થયું હતું.
આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. તેમણે આ દુ:ખદ ઘટનાઓ પર પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે તેમણે તેમના વ્યસ્ત શિડયુલ હોવા છતાં તેમણે આજે ગુજરાત આવી સૌપ્રથમ ગુજરાત રાજકારણના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલના ઘરે જઈ વડાપ્રધાન મોદીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના પરિવારને મળ્યા અને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. નોંધનીય છે કે, પીએમ મોદી કેશુબાપાને પોતાના ગુરૂ માનતા હતા અને તેમનો ઘણો જ આદર કરતા હતા. કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ એક બાદ એક ત્રણ ટ્વિટ કરી હતી.
પ્રધાનમંત્રી મોદી કનોડિયા પરિવારને મળીને દિવંગત મહેશ અને નરેશ કનોડિયાની બંધુ બેલડીને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા હતા. આ સાથે તેમણે પરિવારને મળીને સાંત્વના પણ આપી. હિતુ કનોડિયા વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આટલી વ્યસ્તતામાં પણ અહીં આવ્યા અને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા. પીએમ મોદીએ અમને બે વાક્ય કહ્યા, આ બંન્ને ભાઇઓનો અપાર પ્રેમ અને ભાઇઓ અમર થઇ ગયા છે. તેમણે જોયું કે, ફોટા નીચે તારીખ નથી લખી, તેમણે કહ્યું કે, સારૂ છે તારીખ નથી લખી આ બંન્ને ભાઇઓ અમર થઇ ગયા છે. તેમણે આ રીતે જે શબ્દાજંલિ આપી તે અમારા માટે ગર્વની વાત છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી કેવડિયા જવા રવાના થઇ ગયા છે આજે 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને ગુજરાતને મોટી ભેટ આપશે. વિપક્ષ નેતા પરેશભાઈ ધનાણી પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા કેશુબાપાને નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. તથા પરિવારને મળી સાંત્વના આપી હતી.