સીએસકેના દિગ્ગજ ખેલાડી શેન વોટસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કર્યું
આઈપીએલની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખુબ જ અનલકી સાબિત થઈ છે. આઇપીએલના ઈતિહાસમાં પહેલીવાર પ્લેઓફ રમ્યા વગર જ બહાર થઈ ગઈ છે. આઈપીએલ 13ની સિઝનમાં ખરાબ પ્રદર્શન કરી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થનાર પહેલી ટીમ બની હતી. જો કે, સીએસકેએ અંતિમ 3 મેચોમાં જીત હાંસલ કરીને એક માનભેર વિદાય લીધી હતી. જો કે, હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, સીએસકેના દિગ્ગજ ખેલાડી શેન વોટસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વોટ્સને અગાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. અને હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયર થતાં તે હવે આઇપીએલમાં રમતો જોવા મળશે નહીં.
ઈન્ટરનેશનલ ક્રિકેટને 2016માં અલવિદા કહેનાર પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ઓપનર શેન વોટસને હવે ક્રિકેટના તમામ ફોર્મેટ છોડવાનું મન બનાવી લીધું છે. 2018માં પોતાની વિસ્ફોટિક બેટિંગથી ચેન્નાઈને ચેમ્પિયન બનાવનાર શેન વોટ્સને સંન્યાસનો નિર્ણય લીધો છે. આઈપીએલ 13માં અંતિમ લીગ મેચ બાદ શેન વોટ્સને પોતાના સાથી ખેલાડીઓને પોતાના સંન્યાસની વાત કરી હતી. અને આ સમયે તે ખુબ જ ભાવુક થઈ ગયો હતો. અને કહ્યું હતું કે ફ્રેન્ચાઈઝી માટે રમવું મારા માટે એક સન્માનની વાત હતી. શેન વોટ્સનને આઈપીએલમાં રમતો જોવા ક્રિકેટના ફેન્સ હંમેશાથી રાહ જોઈને બેઠા હોય છે. પણ હવે તે ક્યારેય આઈપીએલમાં રમતો જોવા મળશે નહીં. યુએઈમાં રમાનાર આઈપીએલ 2020માં શેન વોટ્સનનું ફોર્મ ખુબ જ ખરાબ રહ્યું હતું.
અને આ ખેલાડીએ 11 મેચોમાં માત્ર 29.90ની સરેરાશથી 299 રન બનાવ્યા હતા. આ વખતે વોટ્સનનાં બેટથી 2 હાફ સેન્ચુરી નીકળી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 121.05 રહ્યો હતો. શેન વોટ્સનનું ખરાબ પ્રદર્શન ચેન્નાઈ માટે ભારે પડ્યું હતું અને તેને પ્લે ઓફમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો. અને કદાચ પોતાના ખરાબ ફોર્મને કારણે પણ વોટ્સને સંન્યાસ લીધો હોય તેવી પણ ચર્ચા છે. ચેન્નાઈનો ટીમનો ભાગ રહેલ વોટ્સન પહેલાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે પણ રમી ચૂક્યો છે. રાજસ્થાનની ટીમ જ્યારે 2008માં ચેમ્પિયન બની હતી ત્યારે વોટ્સન તે ટીમનો હિસ્સો હતો.