દિગ્વિજય સિંહનો સવાલ: વિકસિત દેશો EVM પર ભરોસો કેમ નથી કરતા..?
ગુજરાત અને મધ્યપ્રદેશમાં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે એવામાં કોંગ્રેસે ફરીવાર ઈવીએમ પર જ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરીવાર મશીનો પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમુક નાના દેશો જ ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે જ્યારે વિકસિત દેશો તેનો ઉપયોગ કરી રહ્યા નથી.
પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યાં દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યું કે ટેકનિકલ યુગમાં વિકસિત દેશો ઈવીએમ ભરોસો નથી કરતા પણ ભારત અને અમુક દેશોમાં ઈવીએમથી ચૂંટણી યોજવામાં આવી રહી છે. વિકસિત દેશો કેમ નથી કરી રહ્યા ? કારણ કે તેમને ઈવીએમ પર ભરોસો નથી. કેમ ? કારણ કે તેમાં ચીપ છે જે હેક થઇ શકે છે. નોંધનીય છે કે જ્યારે પણ દેશમાં ચૂંટણી યોજાય છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ આ રીતે વોટિંગ મશીન પર સવાલ ઉભા કરતી રહે છે. આ પહેલા પણ લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ખૂબ ગાજ્યો હતો.
પાર્ટીઓનો આરોપ છે કે ભાજપ આ મશીનને હેક કરાવી દે છે. જોકે મશીનો પર આવા આરોપો મોટા ભાગે પરિણામો આવ્યા બાદ ઉભા થતાં હોય છે પરંતુ કોંગ્રેસે આ વખતે તો ચૂંટણીમાં જ મશીન પર સવાલ ઉભા કરી દીધા છે. દિગ્વિજય સિંહના આ ટ્વિટ બાદ હવે વિવાદ વધે તો નવાઈ નહીં.