સરકારી કર્મચારીઓને સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી આપી દિવાળી ભેટ
સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. રાજ્ય સરકારની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેમા ત્રણ માસની રકમનો એક હપ્તો ચૂકવાશે. અને આ માટે 464 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે બાદમાં ત્રણ મહિનાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં કટોસણ, બહુચરાજી અને ચામસ્માની રેલવે લાઈન પાછળ 787 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ લાઈન મીટર ગેજ લાઈન છે, જેને હવે બ્રોડ ગેજ લાઈનમાં રૂપાંતરીત કરવામાં આવશે.