ગાંધીનગરગુજરાત

સરકારની મોટી જાહેરાત: 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલ-કૉલેજો શરૂ થશે

રાજ્ય સરકારે આજે મોટી જાહેરાત કરતા દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SoPનું સ્કૂલ-કૉલેજો તરફથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ જ રહેશે. શિક્ષણ મંત્રીની જાહેરાત પ્રમાણે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કૉલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે.
ઈજનેરી શાખાની વાત કરીએ તો માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ આઈટીઆઈ અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે. શિક્ષણ મંત્રીની જાહેરાત પ્રમાણે સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવી શકે છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માંગે છે તે આવી શકે છે, તેમને ફરજ નહીં પાડવામાં આવે. આ ઉપરાંત ઓનલાઇન અભ્યાસ પણ ચાલુ જ રહેશે. એટલે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી શકે છે અથવા સ્કૂલે જઈને પણ અભ્યાસ કરી શકે છે.
સ્કૂલો શરૂ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધોરણ-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન જો કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x