જિલ્લાના ૨૫૦થી વધુ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરાશે
ગાંધીનગર,
ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગચાળો ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોમાં ફેલાતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં સરકારી ચોપડા પ્રમાણે ૪૦ ટકા વિસ્તારોમાં પાણીના ક્લોરીનેશન પ્લાન્ટ છે જ્યારે ૬૦ ટકા ગામોમાં પ્લાન્ટ નથી ત્યારે બાકી રહેલા ૨૫૦થી પણ વધુ ગામોમાં ક્લોરીનશન પ્લાન્ટ ફિટ કરવા માટે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી છે. એટલુ જ નહીં,આયોજન મંડળની ગ્રાન્ટનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ ગામોને શુધ્ધ અને પિવાલાયક પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે અધિકારીઓને કામગીરી પણ સોંપવામાં આવી છે તેમાં બંધ રહેલા ક્લોરીનેશન પ્લાન્ટને સત્વરે શરુ કરી દેવા માટે સુચના આપવામાં આવી છે.
શિયાળાની સિઝન હવે પુર્ણ થવા જઇ રહી છે અને ઉનાળાની ઋતુ દરવાજે ટકોરા લગાવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગને આ ઉનાળાની સિઝનમાં સતર્ક રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરે તાજેતરમાં લીધેલી સંચારી રોગની બેઠકમાં ગત વર્ષ કરતા આ વખતે રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમ છતા પાણીજન્ય ગણાતા કમળો અને ટાઇફોઇડ સહિત ઝાડા-ઉલ્ટીના કેસ ઘટે અને ગ્રામ્યવિસ્તારના રહિશોનું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે હવે તમામ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ સુચના આપી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લાના ૩૦૦થી પણ વધુ ગામોમાં ફક્ત ૮૦ જેટલા ગામોમાં જ ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યા છે ત્યારે ૬૦ ટકાથી પણ વધારે ગામોમાં હજી સુધી શુધ્ધ પિવાલાયક પાણી પણ પહોંચાડવામાં આવતું નથી અને આ ગામોમાં ગમે ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે ત્યારે આ પ્લાન્ટથી વંચિત ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવનાર છે.
કલેક્ટર અને ડીડીઓ દ્વારા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીને આ અંગે સુચના આપી દેવામાં આવી છે. જેમાં ક્લોરીનેશન પ્લાન્ટ ન હોય તેવા ગામોની યાદી તૈયાર કરીને તેમાં પ્લાન્ટ ફિટ કરવા માટેનો ખર્ચ સહિતની વિગતો તૈયાર કરવામાં આવશે અને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી તે ખર્ચ કરીને જિલ્લાના તમામ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવશે. આ પ્લાન્ટ ફિટ કર્યા બાદ પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે તેમ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.વાય. તુલશ્યાને જણાવ્યું હતું