ગાંધીનગરગુજરાત

ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ૧૭૯ કોલેજમાં આચાર્યની જગ્યા ખાલી, તાત્કાલિક ભરવા NSUI ની માંગ

 

ગુજરાત ની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની ૨૮૬ કોલેજોમાંથી ૧૭૯ કોલેજોમાં આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ત્યારે શિક્ષણના નામે જુદા જુદા ઉત્સવો કરનાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ શિક્ષણ માટે ગંભીર બને સાથોસાથ આચાર્યો અને અધ્યાપકોની પુરા પગાર સાથે ભરતી કરવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત એન.એસ.યુ.આઈ. ના પ્રવક્તા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૨૮૬ કોલેજમાં ૩,૬૮,૩૨૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી સ્નાતક કક્ષાએ ૩,૨૧,૬૩૯ અનુસ્નાતક કક્ષાએ ૪૬,૬૬૮ નવા દાખલ થયેલ ૭૫,૬૯૬ વિદ્યાર્થીઓ છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ૬૦ ટકા જેટલી આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

મોટા ભાગની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં લાંબા સમયથી અધ્યાપકોની નિમણૂંક કરવામાં આવતી નથી. ખાનગી કોલેજોમાં મોટા ભાગના અધ્યાપકો વાઉચર પર વિજીટીંગ ફેકલ્ટી રાખવામાં આવે છે. અધ્યાપકોની મોટા પાયે ખાલી જગ્યાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. બીજીબાજુ લાયકાત ધરાવતા અનેક યુવાનોને લેક્ચરર તરીકેની તક મળતી નથી.

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની અદ્યોગતિ માટે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. ના પ્રવક્તા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આચાર્યો અને અધ્યાપકો વિનાની કોલેજો અંગે રાજ્ય સરકાર ગંભીર હોય તેમ જણાતું નથી. ભાજપ શાસનમાં ૧૯૯૮ પછી એક પણ અધ્યાપકની પૂરા પગારની ભરતી કરવામાં આવી નથી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કાયમી આચાર્ય અને અધ્યાપકોની પૂરા પગાર સાથે ભરતી થાય તેવી એન.એસ.યુ.આઈ. એ માંગ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x