આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યા સુધી રાતનો કરફ્યુ ચાલુ રહેશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે ૯ થી સવારે ૬ સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા ૨૦૦ થી ઘટાડીને ૧૦૦ કરવામાં આવી છે જ્યારે અંતિમવિધિમાં ૫૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ ૫૫ હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે જેમાં ૮૨ ટકા એટલે કે લગભગ ૪૫ હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે આ ઉપરાંત ૧૦૪ હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં ૨ લાખ ૭૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. બોન્ડ ધરાવતા ડોક્ટરોને એપીડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ૧૧૦૦ ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને ૧૭૦૦ કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧.૫૨ લાખ લોકોએ લાભ લીધો છે જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યમાં RT-PCR ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટીંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે જે અંતર્ગત આવતીકાલે લગભગ ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા – હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ ૭૦૦ સંજીવની રથના માધ્યમથી દૈનિક ૩ હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ૧૨૫થી વધારે કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડીંગો જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૧ લાખ ટેસ્ટ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના વરિષ્ઠ નાગરિકોને કોવિડથી બચાવવા અને તેમને યોગ્ય ઈલાજ માટે વડીલ સુખાકારી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અંતર્ગત વડીલોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરીને દવાઓ આપવામાં આવે છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે એટલે કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x