અમદાવાદ ભદ્ર માર્કેટ વિરૂદ્ધ એએમસીએ કરી કડક કાર્યવાહી
ગુજરાતમાં કોરોના વાયરસે ઉથલો મારતા અનેક લોકો કોરોના સંક્રમણમા પટકાયા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. કોરોના ફેલાવવા માટે સૌથી વધુ જવાબદાર દિવાળી સમયે લોકો દ્વારા ભાગ ભુલીને કરવામાં આવેલી ખરીદીને માનવામાં આવી રહી છે. અમદાવાદમાં દિવાળી સમયેનું સૌથી મોટું કેન્દ્ર લાલ દરવાજા ખાતે આવેલુ ભદ્ર બજાર હોવાનું માનવામાં આવે છે.
હવે તંત્ર દ્વારા ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. કોરોના બરાબરનો ફેલાઈ ગયા બાદ મનપા દ્વારા ભદ્ર માર્કેટ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસનો રીતસરનો રાફડો ફાટ્યો છે. ત્યારે તંત્ર હવે રહી રહીને જાગ્યું છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના જાણીતા એવા ભદ્ર માર્કેટ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.
મનપાએ ભદ્ર માર્કેટને ખાલી કરાવી દીધું છે. કોરોનાના કેસ વધતા ભદ્ર ખાતે પાથરણા માર્કેટ ભરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેથી દિવાળી સમયે લોકોથી ખચોખચ ભરાયેલું માર્કેટ આજે ખાલીખમ બની ગયું છે. સવાલ એ છે કે, જો તંત્ર દ્વારા આ કામગીરી પેહલા કરાઈ હોત તો કદાચ કોરોનાના આટલા કેસ જ ન થયા હોત.